વાઘોડિયામાં દુકાનમાં ચોરે રૃા.૨૬૦૦ રોકડની ચોરી કર્યા બાદ આગ લગાવી હતી
દુકાનમાંથી ભાગવા જતાં જ ચોરને લોકોએ ઝડપી પાડયો ઃ દુકાનનો સામાન સળગી ગયો
વડોદરા, તા.2 વાઘોડિયા મુખ્ય બજારમાં આવેલી એક દુકાનમાં મોડી રાત્રે લાગેલી આગનો ભેદ ખૂલ્યો છે. અંદર ઘૂસેલા એક ચોરે રૃા.૨૬૦૦ની ચોરી કર્યા બાદ દુકાનમાં આગ લગાવી મોટું નુકસાન કર્યું હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની વિગત એવી છે કે વાઘોડિયા મેઇન બજારમાં આવેલી સાંઇ જનરલ સ્ટોરમાં ગઇ મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેના પગલે દુકાનદાર રાજેશ ગોવિંદભાઇ શાહ પણ દુકાન પર પહોંચી ગયા હતાં અને લોકો પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. મોડી રાત્રે જ ફાયર બ્રિગેડને બોલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.
આગ લાગ્યા બાદ લોકો ભેગા થઇ ગયા ત્યારે દુકાનની ઉપરથી નીચે ઉતરી એક શખ્સ ભાગવા જતાં તેને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સનું નામ ભરત શંકરભાઇ રાઠોડિયા (રહે.એસ.ટી. ડેપો સામે, વાઘોડિયા) જાણવા મળ્યું હતું. તેણે કબૂલ્યું હતું કે સાંઇ જનરલ સ્ટોરની બાજુની દુકાનની છત પર ચડી સાંઇ જનરલ સ્ટોર દુકાનની કાચની બારી ખોલી અંદર પ્રવેશ્યો હતો અને રોકડ રૃા.૨૬૦૦ની ચોરી કર્યા બાદ આગ લગાવી દીધી હતી.
આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો નોંધ્યો હતો. આગમાં મરચું, હળદર, મસાલા, પ્લાસ્ટિડનો સામાન, ઘી, ખાંડ, સહિતનો કુલ રૃા.૩ લાખનો સામાન બળી ગયો હતો. પોલીસે ભરચ રાઠોડિયાની વધુ પૂછપરછ હાથ ધરી છે.