વલસાડના ભિલાડમાંથી આંતરરાજ્ય ચોર-લૂંટારુ ટોળકીના બે સાગરિત ઝડપાયા, દેશી તમંચા અને બાઈક કરી જપ્ત
Valsad Crime News: વલસાડ જિલ્લાના ભિલાડ હાઈવે પર એલસીબી અને એસઓજીની ટીમે આંતરરાજય ચોર-લૂંટારૂ ટોળકીના બે સાગરિતોને પકડી પાડી 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપી પાસેથી એક દેશી તમંચો બે જીવતા કારતુસ અને બાઇક જપ્ત કરી હતી. વલસાડના બે ચેઇન સ્નેચિંગ સહિત જિલ્લાના 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી બાતમીના આધારે મંગળવારે (4 ફેબ્રુઆરી) ભીલાડ હાઇવે પર નરોલી બ્રીજ નજીક વોચ ગોઠવી હતી. તે વેળા વાપી તરફથી આવી રહેલી નંબર વિનાની બજાજ પ્લસર મોટર સાયકલને અટકાવી બે યુવાનની પૂછપરછ કરતા ગોળગોળ જવાબ આપ્યો હતો. બાદમાં પોલીસે અંગઝડતી લેતા એક દેશી તમંચો અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. સઘન પૂછપરછમાં બંને આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હથિયાર, કારતુસ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બાઇક અને મોબાઇલ જપ્ત કરી બે આરોપી આતમ ઉર્ફે અમીત રામગોવિંદ શહાની (ઉ.વ.28, રહે. શિવાજીનગર, ચણોદ, તા.વાપી) અને મોહંમદહનીફ ઉર્ફે મુન્ના મોહંમદ ઇસ્માઇલ અન્સારી (ઉ.વ.23, રહે.ડુંગરી ફળિયા, તા.વાપી) ની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછપરછમાં અન્ય સાગરિત સાથે મળી વલસાડમાં બે ગુના આચર્યા હોવાની કબુલાત કરી હતી. વલસાડ જિલ્લાના કુલ 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે. પૂછપરછમાં અન્ય ત્રણ આરોપી દુર્ગેશ ઉર્ફે દેવો બ્રીજભાન યાદવ, સેંદીપ સુંદરલાલ સરોજ અને સુનીલ યાદવ (તમામ રહે. કરવડ, તા.વાપી)ના નામ ખુલતા ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન જિલ્લાના અન્ય ગુનાનો ભેદ ઉકેલાવાની શક્યતા દેખાઇ રહી છે. જિલ્લા પોલીસની જુદી જુદી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને મળેલી માહિતીના આધારે આંતરરાજય ચોર લૂંટારૂ ટોળકીના સાગરિતને પકડવામાં સફળતા મેળવી છે.
UPના ગેંગસ્ટર સામે અગાઉ ગંભીર પ્રકારના 25 ગુના નોંધાયા હતા
આંતરરાજય ચોર લૂંટારૂ ટોળકીના પકડાયેલા બે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર એવા આતમ શહાની સામે ઉત્તરપ્રદેશમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. એટલું જ નહીં પણ આરોપી સામે ઉત્તરપ્રદેશમાં જુદા જુદા પોલીસ મથકમાં ચોરી, લૂંટ સહિતના ગંભીર પ્રકારના 25 ગુના નોંધાયા હતા. નોંધાયેલા ગુનામાં આરોપીની ધરપકડ કરાયા બાદ UPના બસ્તી જેલમાં ધકેલી દેવાયો હતો. આ ઉપરાંત બિહારમાં પણ આરોપી સામે એક ગુનો નોંધાયો હતો. જ્યારે અન્ય સાગસિત મોહંમદ હનીફ ઉર્ફે મુન્ના સામે વલસાડ જિલ્લાના ડુંગરા, વાપી તથા UP, સેલવાસ સહિતના વિસ્તારમાં 15 જેટલા ગંભીર પ્રકારના ગુના નોંધાયા હતા. UPના ગુનામાં આરોપીની ધરપકડ પણ કરાઈ હતી. જ્યારે વોન્ટેડ આરોપી સંદિપ સરોજ સામે ડુંગરા, UP અને સેલવાસમાં 3 ગુના તેમજ વોન્ટેડ દુર્ગેશ યાદવ સામે વાપીમાં બે ગુના નોંધાયા હતા.
બાઈક ડુંગરા વિસ્તારમાંથી ચોર્યું હતું
ગુનાને અંજામ આપતી ટોળકીના બે સાગરિત ભિલાડ હાઇવે પરથી પોલીસના હાથે પકડાયા બાદ અનેક માહિતિ બહાર આવી છે. ટોળકીના સાગરિત ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું બહાર આવ્યું છે. પકડાયેલા આરોપીઓએ ગુનાને અંજામ આપવા જપ્ત કરાયેલી બાઈક એક મહિના પહેલા જ વોન્ટેડ આરોપી સુનિલ અને સંદીપે ડુંગરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
અગાઉ પોલીસે ડુગરામાંથી તમંચો, કારતુસ અને બાઈક જપ્ત કરી હતી
વલસાડમાં નોંધાયેલા ચેઈન સ્નેચિંગના ગુનામાં વલસાડ અને સ્થાનિક પોલીસે બાતમીના આધારે આરોપીને પકડવા કવાયત આદરી હતી. તે વેળા વાપીના ડુંગરામાં લેકવ્યુ રેસિડન્સીની પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસે છાપો મારતા આરોપી ભાગી ગયા હતા. પોલીસને ઘટના સ્થળેથી બાઈક અને જેકેટમાંથી એક તમંચો અને બે જીવતા કારતુસ મળી આવ્યા હતા. તપાસમાં બાઈક કરવડ ગામેથી ચોરાઈ હોવાનું બહાર આવ્યું છે.
વોન્ટેડ આરોપી સંદિપના ઘરેથી 30થી વધુ મોબાઈલ મળી આવ્યા
વલસાડ પોલીસે આંતરરાજય ચોર લૂંટારુ ટોળકીના સાગરિત સંદિપ સરોજનું નામ મુલ્યા બાદ તપાસ કરતા આરોપી ગુનામાં UPની જેલમાં જેલવાસ ભોગવી રહ્યો છે. આરોપીના ઘરે પોલીસે વાપો મારી સઘન તપાસ કરતા 30થી વધુ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ગેંગના સાગરિતોએ વલસાડ જિલ્લા, સેલવાસ અને દમણ વિસસ્તારમાંથી મોબાઈલ સ્નેચિંગ કર્યા હતા. પોલીસ હાલ ફરિયાદીઓને શોધી ગુના નોંધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. સંદિપ સરોજ સામે સેલવાસમાં જવેલર્સને ત્યાં થયેલી લૂંટમાં પણ ગુનો નોંધાયો હતો.
ગુનાને અંજામ આપવા UPથી બે તમંચા અને કારતુસ મંગાવ્યા હતા
ભિલાડથી પકડાયેલા બે આરોપીની પૂછપરછમાં વલસાડ, વાપી સહિતના વિસ્તારમાં મોબાઇલ ચેઇન સ્નેચિંગ કરવા બન્ને આરોપી અને સાગરિત દુર્ગેશ ઉર્ફે દેવો યાદવે પ્લાન બનાવ્યો હતો. બાદમાં મિત્ર સંદીપ સુંદરલાલ સરોજ ઓળખીતા સુનીલ યાદવ મારફતે ઉત્તરપ્રદેશથી ત્રણ મહિના અગાઉ બેમચા અને ચાર જીવતા કારતુસ મંગાવ્યા હતા. બંને હથિયાર તથા કાપુસ દુર્ગેશ ઉર્ફે દેવો યાદવ પાસે સાચવીને સંતાડી રાખેલ હતા અને જયારે ચોરી, લૂંટ કરવા જવાનું હોય ત્યારે આ હથિયાર તથા કારહુસ દુર્ગેશ ઉર્ફે દેવો પાસેથી લઈ સાથે રાખતા હતા એમ જણાવ્યું હતું.
UPની જેલમાં ગેંગસ્ટર સાથે ગુનાને અંજામ આપવા પ્લાન ઘડયો હતો
ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર આતમ શહાની સામે નોંધાયેલા ગંભીર પ્રકારના ૨૫ગુનાઓમાં પોલીસે ધરપકડ કર્યા બાદ બસ્તી જેલમાં ધકેલી દીધો હતો. તે દરમિયાન મોહંમદ હનીફ ઉર્ફે મુન્ના અને સંદિપ સરોજ ને પણ UPના ગુના હેઠળ જેલમાં મોકલી દીધા હતા. ત્રણેય આરોપી વચ્ચે ઓળખાણ થયા બાદ મુન્ના અને સંદિપે વલસાડ જિલ્લામાં ચોરી લૂંટના ગુનાને અંજામ આપવા વાતચીત કરી હતી. આતમ શહાની સામે UPમાં ગેંગસ્ટર એક્ટ સહિતના ગુના નોંધાયા હોવાથી તેણે સહમતી દર્શાવી હતી. જેલમાંથી મુક્ત થયા બાદ આરોપીઓએ વલસાડ જિલ્લામાં ગુનાને અંજામ આપવા શરૂઆત કરી હતી. જોકે પોલીસે ગેંગ વધુ આતંક મચાવે તે પહેલા જ દબોચી લીધા હતા.
આરોપીઓ રાત્રિના અંધારામાં ગુનાને અંજામ આપતા હતા
વલસાડ જિલ્લા પોલીસના હાથે પકડાયેલા બે આરોપીઓની કરાયેલી સઘન પૂછપરછમાં અનેક ચોકાવનારી માહિતી બહાર આવી છે. આરોપીઓએ ગુનાને અંજામ આપવા સૌ પ્રથમ UPથી બે હથિયાર મંગાવી મોટર સાયકલની ચોરી કરી હતી. રાત્રિના અંધારામાં જુદા જુદા વિસ્તારમાં ફરી રોડ પરથી જતી મહિલાએ આંતરી સોનાની ચેઈન સ્નેચિંગ કરતા હતા. એટલું જ નહીં પણ હથિયારની અણીએ પણ ગુનાને અંજામ આપતા હતા. આરોપી અવાવરૂ જગ્યાએ બાઈક મુકી દેતા હતા. રાત્રિના સમયે બાઈકનો ઉપયોગ કરતા હતા. વો-ટેડ આરોપી સંદિપની ઓટો રીક્ષાનો પણ ઉપયોગ કર્યો હતો.