સેન્ટ્રલ એસ.ટી.ડેપો પર પોલીસવાળાના સ્વાંગમાં ગઠિયો ખિસ્સામાંથી રૃપિયા કાઢી ફરાર
પોલીસવાળાના સ્વાંગમાં આવેલો ગઠિયો સેન્ટ્રલ એસ.ટી.ડેપો પરથી મુસાફરને ચેક કરવાના બહાને ખિસ્સામાંથી રોકડા ૧ હજાર કાઢીને રવાના થઇ ગયો હતો. જે અંગે સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
નિઝામપુરાની વિનય પાર્ક સોસાયટીમાં રહેતા ગુલાબભાઇ મોહનભાઇ નાયકા મૂળ પંચમહાલ જિલ્લાના શેહરા તાલુકાના ચારી ગામના વતની છે. તેઓ મકરપુરાની નિર્માણ ટ્રેડિંગમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મારે ઘરે જવાનું હોવાથી શેઠને વાત કરી હતી. શેઠે મને 7,500 રૃપિયા આપ્યા હતા. જેમાંથી 6,500 રૃપિયા મેં મારી બેગમાં મૂક્યા હતા. જ્યારે બાકીના ૧ હજાર રૃપિયા પેન્ટના ખિસ્સામાં મૂક્યા હતા. હું વડોદરા સેન્ટ્રલ એસ.ટી.ડેપોમાં આવ્યો હતો.સાંજે સાડા સાત વાગ્યે એક વ્યક્તિ મને ડેપો પાસે મળ્યો હતો. તેણે ખાખી કલરનું પેન્ટ તથા આછા કાળા કલરનું જેકેટ પહેર્યુ હતું. તેણે મને કહ્યું કે, હું એલ.સી.બી.નો પોલીસવાળો છું. તારી પાસે જે કંઇ રૂપિયા હોય તે મારી પાસે જમા કરાવી દે. હું ગભરાઇને આનાકાની કરવા લાગ્યો હતો. તે મારા ખિસ્સા ચેક કરવા લાગ્યો હતો. તેણે મારી નજર ચૂકવીને પેન્ટના ખિસ્સામાંથી 1 હજાર રોકડા કાઢી લીધા હતા. ત્યારબાદ તે જતો રહ્યો હતો.તેની ઉંમર 60 થી 65 વર્ષનો હતો.