5 વર્ષની દીકરીની જીદના કારણે બેસરન ગયા નહીં, ને બચી ગયા !
સાવરકુંડલાનાં નાયબ મામલતદારે ઈશ્વરનો આભાર માન્યો આતંકવાદી હુમલો થયો ત્યારે પહેલગામમાં જ હતા, જીવ બચી જતાં મુસ્લિમ ડ્રાઈવર બાળકી પાસે આવીને પગે લાગ્યો!
અમરેલી, : અમરેલીના સાવરકુંડલામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટભાઈ પાઠક તેમના પત્ની ક્રિષ્નાબેન અને પાંચ વર્ષની પુત્રી મેશ્વા સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા. દેશને હચમચાવી નાખનારી આતંકવાદી ઘટના બની ત્યારે તેમનો પરિવાર પહેલગામમાં હાજર હતો, પરંતુ નાનકડી દીકરી મેશ્વાની જીદને કારણે તેઓ ભયાનક પરિસ્થિતિનો ભોગ બનતા રહી ગયા હતા.
તેઓએ એ ભયંકર સ્થિતિ વર્ણવતા કહ્યું કે, 'અમે જમ્મુ-કશ્મીર ફરવા ગયા હતા. તા. 22મીએ આતંકવાદી હુમલો થયો ત્યારે પહેલગામમાં હતા, અને બેસરન વેલીમાં જવાની તૈયારી કરતા હતા. બેસરનનું મેદાન લગભગ પાંચ કિલોમીટરની ઊંચાઈ પર આવેલું હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જ જઈ શકાય છે. પરંતુ અમારી પાંચ વર્ષની દીકરીએ ઘોડા પર બેસવાની ના પાડી. શરૂઆતમાં અમે તેની વાતને ગણકારી નહીં, પણ તેની સતત જીદને જોતા આખરે બેસરન વેલી નહીં જવાનો નિર્ણય લીધો. થોડી જ વારમાં, અમે સેનાના જવાનોને કાદવથી ખરડાયેલી કેટલીક મહિલાઓને લઈ જતા જોયા. પછી ખબર પડી કે, બેસરનમાં આતંકવાદી હુમલો થયો છે. જે સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વળી, એ જ સમયે અમારો મુસ્લિમ ડ્રાઇવર આવ્યો, ને અમારી પાંચ વર્ષની બાળકી પાસે જઈ તેને પગે લાગીને બોલ્યો કે, માતાજી તમે અમારો જીવ બચાવ્યો !' આ ઘટનાએ સાબિત કર્યું કે, ક્યારેક બાળકોની વાત મહત્વની હોઈ શકે છે.