કાળી ચૌદસે કકળાટ બહાર કાઢવાની પ્રથાના કારણે માટલા અને ઝાડુના વેપારીઓની દિવાળી સુધરી
હાલમાં ચાલી રહેલા હિન્દુઓના સૌથી મોટા એવા દિવાળીના તહેવાર અને તેની સાથે જોડાયેલી અનેક માન્યતાઓ અને સૈકાઓથી ચાલતી પરંપરાના કારણે હાલમાં મંદીમાં ઘેરાયેલા સુરતના નાના ઉદ્યોગોને સંજીવની મળી રહી છે. માટલા અને ઝાડુનો ધંધો આમ તો સામાન્ય ગણાય છે, પરંતુ હાલ દિવાળીના સમયે આ વ્યવસાય ખાસ બની જાય છે. લોકોની માન્યતા અને પરંપરાને કારણે હાલમાં માટલા અને ઝાડુના વેપારીઓના ધંધામાં તેજી આવી ગઈ છે. અનેક સુરતીઓએ આજે ધનતેરસના દિવસે પૂજા કરીને ઝાડુની ખરીદી કરી હતી. જેના કારણે ઝાડુ અને માટલાના વેપારીઓને તડાકો થઈ ગયો હતો.
હિન્દુ તહેવારોની પરંપરાને કારણે અનેક નાના વેપારીઓને તહેવાર દરમિયાન રોજીરોટી મળી રહી છે. તેમાં પણ દિવાળી પહેલા આવતી કાળી ચૌદસના દિવસે ઘરમાંથી કકળાટ બહાર કાઢવાની પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી રહી છે. કાળી ચૌદસના દિવસે સુરતીઓ પોતાના ઘરમાં રહેલા જૂના માટલા અને જૂના ઝાડુ તેમના ઘરના નજીકના ચાર રસ્તા પર મૂકી કકળાટ કાઢ્યો હોવાની અનુભૂતિ કરે છે.
સુરતમાં સદીઓથી હિન્દુ તહેવારમાં ચાલી આવતી પરંપરાના કારણે આજના આધુનિક યુગમાં આજે પણ ધનતેરસના દિવસે લોકો ઝાડુ અને માટલાની ખરીદી કરી રહ્યા છે. શહેરની અનેક દુકાનોમાં લોકો ઝાડુની ખરીદી કરી રહ્યા છે. આજના યુગમાં પણ અનેક લોકો બૂટ ચપ્પલ કાઢીને ઝાડુને પગે લાગીને તેની પૂજા કરીને ખરીદી કરે છે. તેઓ એવું માને છે ધનતેરસના ઝાડુની પૂજા કરીને ખરીદી કરવી શુભ છે. લોકોની માન્યતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરાને કારણે સુરતના મોટા ભાગના ઝાડુનું વેચાણ કરતા વેપારીઓનો ધંધો સારો થઈ રહ્યો છે.
લોકો કાળી ચૌદસના દિવસે કકળાટ કાઢે છે તેમાં ઝાડુ સાથે માટલા પણ ચાર રસ્તા પર મૂકી દે છે, તે પહેલાં નવા માટલાની ખરીદી કરી રહ્યા છે તેના કારણે શહેરમાં માટલાનું વેચાણ કરનારા લોકોને પણ તડાકો થઈ રહ્યો છે. વર્ષમાં માટલાનું વેચાણ તો બારે માસ થાય છે પરંતુ કાળી ચૌદસના બે ચાર દિવસ પહેલાં માટલાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.
આમ હિન્દુ ધર્મમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાને કારણે નાના ધંધા કરનારાઓને સારી આવક થાય છે અને હાલ મંદીના સમયમાં તેઓના માટે આ પરંપરા સંજીવની જેવી સાબિત થઈ રહી છે.