આ 3 ગુજ્જુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી થકી કરે છે લાખો કમાણી, જાણો સફળતાની કહાની

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Gujarat Agriculture


Gujarat Agriculture News: ગુજરાતના ખેડૂતો સતત ખેતીમાં અવનવા અખતરા કરી રહ્યા છે આ સાથે જ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને પ્રેરિત કરવામાં ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ફાળો રહ્યો છે. હાલમાં ખેડૂતો ટેક્નોસેવી બનતા જાય છે, અવાર નવાર આપણને વાંચવા મળે છે કે ખેડૂતો યૂટ્યૂબ પરથી વિડીયો જોઇને ખેતીનો આઇડિયા આવતા ખેતી શરૂ કરી અને ત્યારબાદ લાખોની કમાણી કરી રહ્યા છે, તો બીજી તરફ ઘણા કિસ્સામાં લોકોએ મોટા પગારની નોકરી કરી ખેતીને બિઝનેસ તરીકે અપનાવીને લાખોની કમાણી કરતા થઇ ગયા છે. આજે અમે તમને ગુજરાતના એવા જ ખેડૂતોની સફળતાની કહાની જણાવીશું જેને વાંચ્યા બાદ તમને પણ ગર્વ થશે. જેમાં એક યુવા ખેડૂતની ઉંમર માત્ર 22 વર્ષની છે જે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખોની કમાણી કરી રહ્યો છે.. 

22 વર્ષે ઉંમરે શરૂ કરી પ્રાકૃતિક ખેતી

સુત્રાપાડા તાલુકાના પાધરૂકા ગામના યુવાન ખેડૂત રોહિતભાઇ પંપાણિયાની ઉંમર નાની છે પરંતુ ધ્યેય ખૂબ મોટો છે. જેમણે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી દીધી છે અને મગફળી, શેરડી, બાજરો, મગ, અડદ, ચણા અને શાકભાજી સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખો રૂપિયાની મબલખ આવક મેળવે છે. રોહિતભાઇ ઉકાભાઇ પંપાણિયાએ જણાવ્યું હતું કે, મારી પાસે ૨૦ એકર જમીન છે. તેમાં પહેલા રાસાયણિક ખેતી કરતો હતો પણ ખર્ચ વધી જતો હતો. 

મેં છેલ્લા 5 વર્ષથી 10 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે. કારણ કે, રાસાયણિક ખેતી થકી થતા પાક લોકોના સ્વાસ્થ્ય માટે નુકસાન કારક અને ઉત્પાદન લેવા માટે વધુ પડતો ખર્ચ કરવો પડતો હતો. આથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. રોહિતભાઈએ શરૂઆતમાં 10 એકર જમીનમાં મગફળી, શેરડી, બાજરો, મગ, અડદ, ચણા અને શાકભાજી સહિતના પાકોનું પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. જેમાં તેમને એક એકરે 60,000 જેટલી આવક સામે રાસાયણિક ખેતીના ખર્ચ કરતા પ્રાકૃતિ ખેતીનો ખર્ચ નહીંવત થાય છે. 

પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વધુ મળે છે. ઉપજમાં બીજા કરતા લીલમણીમાં સારૂ દેખાય છે. રોગ-જીવાત પણ ઓછી આવે છે અને ખર્ચ પણ નહીંવત થાય છે. જ્યારે રાસાયણિક ખેતીમાં ઉત્પાદન ઓછુ થતું જાયને ખર્ચ વધતો થાય છે. રોગ-જીવાતનું પ્રમાણ પણ વધુ રહે છે. દવા-ખાતરનો ખર્ચ વધી જાય છે. પ્રાકૃતિક ખેતી થકી વર્ષે લાખો રૂપિયાની આવક મળી રહી છે. વધી રહેલી બિમારીઓને કંટ્રોલ કરવા અને લોકોના સારા સ્વાસ્થ્ય પ્રદાન કરવા અન્ય ખેડૂતોએ પણ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઇએ. આજના યુવાનો ખેતી છોડી અન્ય ધંધા, રોજગાર તરફ વળે છે ત્યારે પ્રાકૃતિક ખેતી થકી પણ લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકાય તે સાબિત કરીને યુવા ખેડૂત રોહિત અન્ય ખેડૂત અને યુવાનો માટે પ્રેરણાદાયી બન્યો છે.

60 વીઘા જમીન પર વિવિધ પાકની પ્રાકૃતિક ખેતી

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હરેશભાઈ વેકરીયાના ચહેરા પર છલકાતા સંતોષને અમે જોઇ રહ્યા હતા. સાથે જ તેમની ચમકતી આંખો જોઈ ખેડૂતને અન્નદાતાની ઉપમા અહીં બંધબેસતી લાગી. વાત છે એક એવા ખેડૂતની કે જેણે પ્રાકૃતિક ખેતીને જાણે જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે. જસદણના હરેશભાઈ વેકરીયા 60 વીઘા જમીન પર પ્રાકૃતિક ખેતી થકી કપાસ, મગફળી, એરંડા, ઘઉં, ચણા, શેરડી જેવા પાકોની મિશ્ર પાક સહજીવન પદ્ધતિ થકી ખેતી કરે છે. સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા હરેશભાઈ કહે છે કે, આઠ વર્ષથી એક પણ કેમિકલ વગરની ખેતી કરીએ છીએ. સંપૂર્ણ ગાય આધારિત વસ્તુઓ જીવામૃત, ઘનજીવામૃત, ગૌમુત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિ અસ્ત્ર, અજમાસ્ત્ર જેવા પ્રાકૃતિક ઘરે બનાવેલા ઉત્પાદનો દ્વારા વાવણીથી લઈ તેની માવજત સુધી દરેક પગલે માત્ર ને માત્ર કુદરતી રીતે જ ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક સહજીવનની પદ્ધતિ સમજાવતા હરેશભાઈ કહે છે કે, જમીનમાં એક પાકને જોઈતા પોષક તત્વો ઘણીવાર બીજા પાક દ્વારા આપવામાં આવતા હોય છે ત્યારે એ બંને પાકોને જો સાથે જ વાવી અને તેનો ઉછેર કરવામાં આવે તો બંનેને એકબીજાને જોઈતા પૂરક પોષક તત્વો મળી રહે છે આ માટે કોઈપણ પ્રકારના અન્ય ખાતરની જરૂર પડતી નથી માત્ર છાણનુ ખાતર પુરતુ થઈ રહેતું હોય છે. 

એક સિઝન દોઢથી અઢી લાખનો નફો

હરેશભાઈએ જણાવ્યું હતું કે, રસાયણ આધારિત ખેતીમાં અનેકગણી પડતર કિંમત ચૂકવીને પણ સામે પાક સામાન્ય પ્રમાણમાં જ મળે છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ નજીવી પડતર કિંમત જેવી કે માત્ર એક વીઘાએ 150રૂ.ની પડતર કિંમતે લાખોનો નફો મળી રહે છે. પ્રાકૃતિક ખેતી થકી હરેશભાઈ આજે માત્ર એક સીઝનમાં જ માત્ર 1.5 થી અઢી લાખ સુધીનો નફો મેળવી રહ્યા છે. હરેશભાઈ દરેક પાકનું વેચાણ અને મૂલ્યવર્ધન પણ કરે છે. 

આ થકી ઘર બેઠા જ પોતાની વસ્તુઓનું સહેલાઈથી વેચાણ કરી વધુ આવક પણ મેળવે છે. મહત્તમ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે ગેરસમજ છે કે તેમાં ઉત્પાદન ઘટી જાય છે. પરંતુ તે વિષે હરેશભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીમાં સાચા માર્ગદર્શન સાથે યોગ્ય માવજત અને મિશ્ર પાક સહજીવન પધ્ધતિ થકી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ત્યારે વર્ષો જૂની પ્રાકૃતિક પધ્ધતિ વર્તમાન સમયમાં પણ એટલી જ શાશ્વત છે અને તેના કારણે સ્વસ્થ, નિરોગી જીવનની સાથે સાથે મહત્તમ આર્થિક ઉપાર્જન પણ કરી શકાય છે તે આપણને આવા ઉમદા ખેડૂતો જણાવે છે.

માંગરોળ તાલુકાના શેપા ગામના વિજયભાઈ વિરાભાઈ પરમાર કે જેઓ બાળપણથી ખેતી સાથે જોડાયેલ છે અને M.A. B.Ed સુધી અભ્યાસ કરેલ છે. તેઓ વર્ષ 2015-16 થી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું હાલ તેઓ કામધેનુ પ્રાકૃતિક ફાર્મ હેઠળ વેચાણ કરી રહ્યા છે, સાથે-સાથે 10 થી વધારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, SPNF અને આત્માની તાલીમમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું અને ધીમે ધીમે ખેતીની શરૂઆત કરી જેમાં પાયામાં ઘન જીવામૃત ખાતર નાખ્યું ત્યાર બાદ બીજને પટ આપવા માટે બીજામૃતનો ઉપયોગ કર્યો અને રોગ જીવાતના નિવારણ માટે નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો જરૂરિયાત મુજબ છંટકાવ કર્યો હતો. 

ઉત્પાદન ઘટ્યું ખર્ચ વધ્યો

વિજયભાઈ વિરાભાઈ પરમારે એ જણાવ્યું કે અમારા માંગરોળ તાલુકાના મુખ્ય પાકોમાં મગફળી, તુવેર અને રવિ પાકોમાં ઘઉં, બાજરાનો સમાવેશ થાય છે. અમારા વિસ્તારમાં લગભગ મોટાભાગના ખેડૂતો પરંપરાગત ખેતી કરતા હતા. શરૂઆતમાં એકર દિઠ વધારે ઉત્પાદન મળતું હતું પરંતુ જેમ-જેમ વર્ષો વીતતા ગયા તેમ ઉત્પાદન ઘટવા લાગ્યા. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી અને ઉત્પાદન સાવ ઓછું થવા લાગ્યું. રાસાયણિક ખેતીની મુશ્કેલીઓ એ જોવા મળતી કે જમીન બંજર થવા લાગતી હતી, જેમાં ખાતર અને દવાનો ભાગ વધારે જોવા મળતો હતો. જેથી ઉત્પાદન ઘટવા લાગતુ હતું અને ખર્ચ વધારે આવતો હતો. જ્યારે જમીનમાં અળસિયાઓની સંખ્યા પણ ઘટવા લાગી હતી અને જમીન કડક થવા લાગી સાથે સેન્દ્રીય કાર્બનમાં પણ ઘટાડો થવા લાગ્યો હતો. જેથી જમીનમાં પિયત વધારે આપવું પડતું. આમ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા ખર્ચ વધવાથી નફો ઓછો મળતો હતો. 

પ્રાકૃતિક ખેતી ફળદ્રુપતા વધવા લાગી

આ પ્રાકૃતિક ખેતીમાં આજે મગફળી, ઘઉં, ચણા, ધાણા, જીરું, તુવેર, હળદર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે. રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બદલાવ આવતા જોવા મળ્યા છે. જેમાં જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે જોવા મળે છે. જમીન ભરભરી થવા લાગી છે. તેમજ જમીનમાં અળસિયાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. હાલમા જીવામૃતના સતત ઉપયોગ કરવાથી જમીન જે અગાઉ બિન ઉપજાવ બની ગયેલ હતી તેની ફળદ્રુપતા વધવા લાગી હતી. 

જમીનમાં અળસિયા ઉત્પન થવા લાગ્યા અને અત્યારે ગમે તેટલો વધારે વરસાદ પડે તો પણ જમીન પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી ઉત્પાદનમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે. પાકની ગુણવત્તા, સ્વાદ અને સુગંધમાં પણ બદલાવ જોવા મળ્યો છે. જેથી પ્રાકૃતિક કૃષિમાં ખર્ચ ઘણો ઓછો થવા લાગ્યો અને ખર્ચ ઘટવાથી આવક વધારો જોવા મળ્યો. આમ પ્રાક્રુતિક કૃષિમાં જમીન સુધરે છે અને લોકોને શુધ્ધ આહાર ખોરાક માટે મળી રહે છે.


Google NewsGoogle News