PMJAY-મા યોજના માટે હેલ્પલાઈન નંબર જાહેર, મુશ્કેલી પડે તો દર્દીઓ કરી શકે છે સંપર્ક
PMJAY Whatsapp Number: ખ્યાંતિકાંડ બાદ પીએમજેએવાય યોજના માટે નવી એસઓપી જાહેર કરીને નિયમોને કડક બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે આરોગ્ય વિભાગે દર્દીઓની સુવિધામાં વધારો કરવા અને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. જેના પર સંપર્ક કરી દર્દીઓ કે તેમના સગા કોઈ પણ મુશ્કેલીમાં મદદ મેળવી શકશે.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતાં લખ્યું છે કે "PMJAY-મા" યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં "આયુષ્માન કાર્ડ" હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો 92277 23005 વોટ્સએપ નંબર પર સંપર્ક કરીને અમને જણાવો. અમે તમારી મુશ્કેલીનું નિરાકરણ લાવીશું'.
અત્રે ઉલ્લેખનીય છે કે પીએમજેએવાય યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે 97 લાખ કુટુંબો/ 2.65 કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઈને અંદાજિત 900થી વધુ ખાનગી તથા 1500થી વધુ સરકારી હૉસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યા છે.
પીએમજેએવાય માટે નવી ગાઇડલાઇન જાહેર
રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરિંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU) બનાવવામાં આવ્યું છે. યોજના અંતર્ગત ખાનગી હૉસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવા માટે સરકારી તેમજ GMERS Medical Colleges માંથી અલગ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે SAFU ટીમના નિર્દેશ પ્રમાણે તેમના જિલ્લામાં એમપેન્લડ હૉસ્પિટલની મુલાકાત લઈ સારવાર સંબધિત પૂરતી ચકાસણી કરશે અને લાભાર્થીની કોઈ ફરિયાદ હશે તો તે સરકારને ધ્યાને મુકશે.