4,000 કિલો પંચ ધાતુનો વિશાળ ઘંટ તાલાલા આવી પહોંચતાં ભવ્ય સામૈયું
શ્રી બાઈ માતાજીનાં નવનિર્મિત મંદિરમાં ઘંટ પ્રસ્થાપિત કરાશે શ્રી બાઈ માતાજીની રથયાત્રા દરમિયાન દાતાઓએ સોનું, ચાંદી, પિત્તળ અને ત્રાંબાનાં અર્પણ કરેલાં દાનમાંથી ઘંટનું નિર્માણં
તાલાલા, : તાલાલા શહેરમાં હિરણ નદીના પાવન તટ ઉપર બિરાજમાન સોરઠીયા પ્રજાપતિ ઉપરાંત અઢારેય વરણના શ્રદ્ધાળુ ભાવિકોના આસ્થાના પ્રતીક શ્રીબાઈ માતાજીના જર્જરિત મંદિરના સ્થાને રૂ.દશ કરોડના ખર્ચે નિર્માણ થયેલ દિવ્ય નૂતન મંદિરમાં પ્રસ્થાપિત થનાર ચાર હજાર કિલો પંચ ધાતુમાંથી બનેલ ઘંટનું તાલાલામાં આગમન થતાં ભાવિકોએ વિશાળ શોભાયાત્રા સાથે ઘંટનું સામૈયું કર્યું હતું.
રાજકોટથી પ્રસ્થાન થયેલ ઘંટ ગોંડલ, જેતપુર, જુનાગઢ, કેશોદ, સોમનાથ ભવ્ય સ્વાગત બાદ તાલાલા પહોંચ્યો હતો.તાલાલામાં નવા બસ સ્ટેન્ડ પાસે ઘંટને વધાવી શ્રી બાઈ માતાજી મંદિર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાએ નગરના મુખ્ય માર્ગો ઉપર પરિભ્રમણ કર્યું હતું. આ દરમિયાન ઠેર ઠેર ભાવિકોએ ઘંટ પૂજન કરી દર્શન કર્યા હતા. શ્રી બાઈ માતાજીની રથયાત્રા દરમિયાન દાતાઓએ આથક દાન ઉપરાંત સોનું, ચાંદી, ત્રાંબુ, પિત્તળ પંચ ધાતુનું પણ દાન આપ્યું હતું. આ દાનમાંથી ચાર હજાર કિલોનો વિશાળ ઘંટ બનાવ્યો હતો.