સુરેન્દ્રનગર શહેરમાં ઊંધિયું ખાવા પડાપડી, દુકાન બહાર લાંબી લાઇનો લાગી
- ઉતરાયણના દિવસે ઝાલાવાડવાસીઓ લાખોનું ઊંધિયું ઝાપટી ગયા
- તહેવારને અનુલક્ષીને સૌ કોઈ પતંગપર્વની મોજ માણવામાં વ્યસ્તઃ રેડીમેઈડ ઉંધીયુ, પુરી મંગાવવાનો ક્રેઝ વધ્યો
સુરેન્દ્રનગર : ઝાલાવાડ પંથકમાં ઉત્તારયણ પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. આ વર્ષે પતંગ, દોરા, ઊંધિયું, ખમણ, પાત્રા, જલેબી સહિતની ખાદ્ય વસ્તુઓમાં ભાવ વધારો થયો હોવા છતાં ઝાલાવાડવાસીઓ લાખોની કિંમતનું ઊંધિયું ઝાપટી ગયા છે. તહેવારને અનુલક્ષીને સૌ કોઈ પતંગપર્વની મોજ માણવામાં વ્યસ્ત હતા. આ વખતે રેડીમેઈડ ઉંધીયુ, પુરી મંગાવવાનો ક્રેઝ વધ્યો હોવાનું જાણવા મળે છે. જિલ્લાના વડુ મથક સહિત તાલુકાઓમાં જાહેર સ્થળો અને સર્કલો નજીક મંડપો નખી ઊંધિયુ વેચતા વેપારીઓને ત્યાં લોકોએ રીતસરની પડાપડી કરી હતી.
સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અંદાજે ૨૫થી વધુ સ્થળો પર ઉતરાયણ નિમિત્તે ઉધીયા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટાભાગના દરેક સ્થળો પર સવારથી ઉંધીયાની ખરીદી માટે ભીડ જોવા મળી હતી. ગત વર્ષ કરતા શાકભાજીના અને તેલના ભાવમાં વધારો હોવાથી એકંદરે ઉંધીયાના ભાવમાં પણ ૧૦થી ૨૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. જેમાં બજારમાં અલગ-અલગ જગ્યાએ પ્રતિ કિલો ૨૨૦ થી લઈ રૂા.૩૫૦ સુધીની રેન્જમાં ઉંધીયાનું વેચાણ થયું છે.
માત્ર શહેરી વિસ્તારમાં જ ઉતરાયણના દિવસે લાખોની કિંમતનું ઝાલાવાડવાસીઓએ ઊંધિયુંં આરોગી ઉતરાયણના પર્વની મજા માણી હતી. શહેરમાં આવેલ મોટાભાગની તમામ કંદોઈની દુકાનો સહિત અલગ-અલગ વિસ્તારોમાં ઊંધિયુંં, પાત્રા, ખમણ, જલેબી સહિતની વસ્તુઓનું વેચાણ પણ સ્ટોલ ઉભા કરી કરવામાં આવ્યું હતું. મોટાભાગના સ્ટોલમાં લોકોની લાંબી લાઇનો જોવામળી હતી. જયારે શેરડી, તલસાંકળી, શીંગપાક વગેરે પણ ખાવાનું અનોખું મહત્વ રહેલું છે. ઝાલાવાડવાસીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ મીત્રો અને પરિવારજનો સાથે ઊંધિયુંં, ફાફડા-જલેબી ખાઈ ઉતરાયણની ઉજવણી કરી હતી.