ઘાટ કરતા ઘડામણ મોંઘું : સુરત પાલિકાએ મશીન ખરીદ્યા 20 કરોડના, પણ મેઈન્ટેનન્સ 171 કરોડનું

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
Surat Municipal Corporation


Surat Corporation News : સુરત મહાનગરપાલિકાએ શહેરના રસ્તાની સફાઈ માટે 16 સ્વીપર મશીનોની ખરીદી તથા 7 વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સ ટેન્ડર બહાર પાડ્યા હતા. જેમાં 20.80 કરોડના મશીન ખરીદી સાત વર્ષ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 171 કરોડનો ખર્ચ થશે. તે દરખાસ્ત પર આગામી સ્થાયી સમિતિમાં નિર્ણય કરાશે. જોકે, આ દરખાસ્ત બાદ સ્વીપીંગ મશીન ટેન્ડરમાં ગેરરીતિ થઈ છે 10 દિવસમાં તપાસ કરવામાં નહીં આવે તો ન્યાયિક પ્રક્રિયાની ચીમકી કોંગ્રેસના પુર્વ કોર્પોરેટરે આપી છે. 

સુરત પાલિકા દ્વારા સ્વીપીંગ મશીનથી સાત વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટે મોટાપાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ થઈ રહી છે. શહેરના રસ્તાની સફાઈ માટે 16 સ્વીપર મશીનની ખરીદી તથા 7 વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્તમાં કંઈ રંધાયું છે ને પાલિકાને મોટું આર્થિક નુકસાન થશે તેવી ફરિયાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરીયાએ કરી દરખાસ્ત પર બ્રેક મારવાની માગણી કરી છે.

તેઓએ મ્યુનિ. તંત્રને લખેલા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, 16 સ્વીપર મશીનોની ખરીદી તથા 7 વર્ષના ઓપરેશન-મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટમાં મોટાપાયે ગેરરીતિ આચરી હોવાનું તથા ઓપરેશન મેઇન્ટેનન્સના ખર્ચની બાબતમાં સીવીસી ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો છે. 

20.80 કરોડના મશીન ખરીદી સાત વર્ષ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે 171 કરોડનો ખર્ચ કરવામાં આવશે.  સ્થાયી સમિતિએ પણ વિભાગ દ્વારા રજૂ થયેલ વિવાદાસ્પદ દરખાસ્ત બાબતે ઊંડાણપૂર્વક અભ્યાસને બદલે ટેન્ડરને મંજૂરી આપી દીધી હતી. વાસ્તવમાં કોઇપણ પ્રોજેક્ટ કે મશીનરીના કેપિટલ ખર્ચની સામે વાર્ષિક મેઇન્ટેનન્સ ખર્ચ 10 થી 20 ટકાની વચ્ચે મહત્તમ હોઇ શકે છે, પરંતુ સ્વિપર મશીનૌના કિસ્સામાં કેપિટલ ખર્ચની તુલનામાં 100 ટકા કે તેથી વધુ મેઇન્ટેનન્સપાલિકા વધુ ચુકવવા જઈ રહી છે. 

આ ઉપરાંત ટેન્ડરમાં કાર્ટેલ બની હોવાની શક્યતા પણ નજરે પડી રહી છે. લોએસ્ટ એજન્સી દ્વારા 16 સ્વીપર મશીનોના કેપિટલ ખર્ચ પેટે 20.80 કરોડની ઓફર કરી હતી. જ્યારે દ્વિતિય ક્રમની લોએસ્ટ એજન્સી દ્વારા 40 કરોડની કેપિટલ ખર્ચની ઓફર કરવામાં આવી હતી. બે એજન્સીઓ વચ્ચે મશાનના કેપિટલ ખર્ચ માટે 100 ટકાનો તફાવત શંકા પ્રેરે તેવો છે. 

આ સમગ્ર ટેન્ડરમાં વિભાગ દ્વારા બીજા વર્ષ બાદ ત્રીજા વર્ષથી દર વર્ષે ઓપરેશન મેઇન્ટેનન્સ ખર્ચમાં પાંચ ટકાનો વધારો આપવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જેથી કરીને 7 વર્ષનો કુલ ખર્ચ 171 કરોડ રૂપિયા થવા જાય છે. જોકે, દરખાસ્તમાં ત્રીજા વર્ષ થી પાંચ ટકાનો વધારો આપવાનો કોઈ ઉલ્લેખ વિભાગ હારા કરવામાં આવ્યો નથી. એક રીતે જોઈએ તો સમગ્ર સ્થાયી સમિતિને અધુરી દરખાસ્ત રજૂ કરીને અંધારામાં રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

તેઓએ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે આ દરખાસ્તના કારણે પાલિકાને મોટું આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. સ્વીપીંગ મશીન ટેન્ડરમાં ગેરરીતિ થઈ છે 10 દિવસમાં તપાસ કરવામાં નહીં આવે તો ન્યાયિક પ્રક્રિયા કરીને સમગ્ર મુદ્દાને કોર્ટમાં લઈ જવામા આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.


Google NewsGoogle News