દક્ષિણ ગુજરાતમાં નવરાત્રીમાં વિઘ્નની વકી, છુટો છવાયો વરસાદ પડી શકે છે
ચોમાસાની વિદાય તો થઇ ગઇ પરંતુ
- જોકે, ધોધમાર વરસાદ પડે તેવી કોઇ સિસ્ટમ એકટીવ નથીઃ પણ આકાશમાં વાદળોનો મોટો સમૂહ હાજર છે
સુરત
નવરાત્રી રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે વરસાદને લઇને એક સારા સમાચાર છે. હાલ ધોધમાર વરસાદ વરસે તેવી કોઇ સિસ્ટમ એકટીવ નથી. છતા ભેજવાળા વાતાવરણ અને વાદળોના આકાશમાં સમુહના કારણે કયારેક કયારેક સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વિધ્ન નાંખી શકે તેમ છે.
સુરત શહેર સહિત રાજયમાં આવતીકાલ ગુરૃવારથી નવરાત્રીનો તહેવાર શરૃ થઇ રહ્યો છે. આ તહેવાર સાથે જ નવરાત્રીના વિવિધ સ્થળોએ થયેલા આયોજનમાં વરસાદ પડે તો ખલેલ પડી શકે તેમ હોવાથી આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત છે ત્યારે ખેલૈયાઓની ચિંતા ઓછી થતા સમાચાર પ્રાપ્ત થયા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ૨૦૨૪ ની ચોમાસાની સિઝનને વિદાય આપી દીધી છે. જો કે હાલ કર્ણાટક અરબી સમુદ્વ પર એક સિસ્ટમ એકટીવ છે. જો કે આ સિસ્ટમ એટલી પાવરફુલ નથી. આ ઉપરાંત ચોમાસાની વિદાય તો થઇ ગઇ છે. પરંતુ હજુ પણ આકાશમાં વાદળોના સમુહ હાજર છે. અને હાલ ભેજવાળુ વાતાવરણ છે. જેના કારણે કયાંક ને કયાંક વરસાદ આવે તેવી શકયતાઓ છે. જો કે આ વરસાદ સમ્રગ શહેર કે જિલ્લામાં નહીં, પરંતુ કોઇ ચોક્કસ પોકેટમાં વરસે તેવી સંભાવનાઓ હવામાનવિદોએ વ્યકત કરી છે. આથી સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી શકયતાઓ છે. જો કે જે પોકેટમાં દે ધનાધન વરસશે ત્યાં નવરાત્રીનું આયોજન પણ પાણી ફરી વળશે.