આણંદના બિલ્ડરોએ 500 વીઘા જમીનો ખરીદી હોવાની ચર્ચા
- મહાનગરપાલિકાની જાહેરાતના 2 વર્ષ અગાઉ
- બાકરોલ, કરમસદ, જીટોડિયા, મોગરી સહિતના વિસ્તારોમાં જમીનો પાણીના ભાવે લઇ લીધી
આણંદની બાજુમાં આવેલા કરમસદ તથા બાકરોલની જમીનોનું છેલ્લા ત્રણ વર્ષમાં વેચાણ વધવા પામ્યું હતું. જેમાં આણંદના મોટા બિલ્ડરોએ ખેડૂતોની જમીનો ખરીદવામાં વધુ રસ લીધો હતો. ત્યારે જમીન માલિકોને આણંદ મહાનગરપાલિકા થવાની છે તે બાબતની કોઈ જાણકારી પણ હતી નહીં. બિલ્ડરો દ્વારા ઓફર કરવામાં આવેલી રકમો ખૂબ જ ઊંચી હોવાનું સમજીને કેટલાય ખેડૂતોએ પોતાની મૂલ્યવાન જમીનો બિલ્ડરોને વેચી દીધી હતી. ઉપરાંત મોગરી અને જીટોડિયા વિસ્તારની જમીનો પણ આણંદથી દૂર હોવાને કારણે ઓછા ભાવમાં બિલ્ડરોએ ખરીદી હતી.
આણંદ મહાનગરપાલિકા બનતા આ જમીનનોના ભાવ ઊંચકાયા છે. જેથી પાણીના ભાવે જમીન ખરીદનાર આણંદના બિલ્ડરોને હવે ઘી કેળા થઈ ગયા છે. જ્યારે જે ખેડૂતોએ જમીન વેચી દીધી છે તેમને પસ્તાવાનો વારો આવ્યો છે. આણંદ મનપા વિસ્તારમાં સમાવેશ થયા બાદ આવનારા સમયાં બિલ્ડરો ખરીદેલી જમીનો એનએ કરીને ઊંચા ભાવે વેચી દેશે અથવા તો રહેણાંક સ્કીમો પાડશે.