સરકારી કચેરીઓમાં ફોન બહાર મૂકવાનો નિયમ નથી, અધિકારીઓમાં રેકોર્ડિંગના ભયે વૉટ્સએપ કૉલનું ચલણ
Call Recording : ગાંધીનગર પોલીસ ભવનમાં મંગળવારે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને સિનિયર IPS અધિકારી રાજકુમાર પંડિયન વચ્ચે ફોન મુદ્દે થયેલી તુ તુ મેં મેં બાદ 10 જેટલા IAS IPS અધિકારીઓને પૂછવામાં આવ્યું કે શું તમે મુલાકાતીઓ અને જન પ્રતિનિધિઓના મોબાઈલ બહાર મૂકાવો છો? જો હા તો કયા નિયમ હેઠળ? ત્યારે અધિકારીઓએ જવાબ આપ્યા જેમાં IAS ઓફિસરો તો ફોન બહાર મુકાવતા નથી. પરંતુ કેટલાક IPS ઓફિસરો ઓડિયો વીડિયો રેકોર્ડિંગના ડરથી પોતાની કચેરીએ આવતા મુલાકાતીઓના ફોન બહાર મુકાવે છે.
સ્થિતિના આધારે સ્થાનિક અધિકારી યોગ્ય નિર્ણય લઇ શકે : MP, MLA માટે અલગ પ્રોટોકોલ
આ મુદ્દે 5 IAS- કલેકટર અને 5 IPS- ડી.એસ.પીને ફોન કરીને પૂછવામાં આવ્યું કે તમે મુલાકાતીઓના ફોન બહાર મુકાવો છો. ત્યારે તમામ કલેક્ટરે જણાવ્યું કે અમારી ઓફિસમાં ફોન બહાર મુકાવવામાં આવતા નથી. પરંતુ અમુક IPS ઓફિસરે જણાવ્યું કે કોઈ સંવદેશીલ મુદ્દાના રેકોર્ડિંગ ન કરે તે હેતુથી ફોન બહાર મુકાવવામાં આવે છે.
એક કલેકટરે જણાવ્યું કે અમે સરકારી અધિકારી છીએ, મુલાકાતી ઓફિસમાં આવીને જો રેકોર્ડિંગ પણ કરે તો અમે કરવા દઈએ છીએ અને કોઈ નાગરિક રાત્રે 2 વાગે વીજળી ના હોય અને ફોન કરે તો પણ અમે ફોન ઉપાડીએ છીએ. જ્યારે એક કલેકટરે એમ જણાવ્યું કે અમારી કલેકટર કચેરીઓમાં આ પ્રકારે ફોન બહાર નથી મુકાવતા પરંતુ અમે એમના નંબર લઈને એમની ફરિયાદ મુદ્દે તેનો નિકાલ કરી સામેથી જાણ પણ કરીએ છીએ.
આ પણ વાંચો: એકબાજુ રાજ્યમાં લોકો બેરોજગાર છે ને સરકાર ખાલી જગ્યા ભરતી નથી, હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી
જ્યારે ફોન બહાર મુકાવતા એક જિલ્લાના એસ. પી. એ જણાવ્યું કે લોકો સંવેદનશીલ મુદ્દાઓ પર રેકોર્ડિંગ કરી તેને ખોટી રીતે વાયરલ ન કરે અને ગભીર ઘટનાઓ મુદ્દે ખોટી માહિતી કે રેકોર્ડિંગ બહાર ન જાય એ માટે ફોન બહાર મુકાવી દઈએ છીએ. જ્યારે એકએસ. પી. એ જણાવ્યું કે ફોન બહાર મૂકવાનો કોઈ લેખિત નિયમ નથી. પરંતુ કોઈ એવું લાગે તો જ અમે ફોન બહાર મુકાવી દઈએ છીએ બાકી ફોન બહાર નથી મુકાવતા.
રેકોર્ડિંગ નહીં થતું હોવાથી અધિકારીઓમાં વૉટ્સએપ કોલનું ચલણ
અધિકારીઓ સામાન્ય રીતે રેગ્યુલર વાતચીતમાં વૉટ્સએપ કૉલનો ઉપયોગ કરે છે. કોલ રેકોર્ડ થઈ જવાનો ડર રાજ્યની બ્યૂરોક્રસીમાં બહુ છે. જેમાં સરકારી કામગીરીથી લઈને ખાનગી વાતચીત પણ વૉટ્સએપ કોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત અધિકારીઓ દ્વારા બેથી વધુ ફોન રાખવામાં આવે છે અને ખાસ તો પોલીસ અધિકારીઓ દ્વારા મોંઘા અને લેટેસ્ટ ફોનનું ચલણ વઘ્યું છે.
કેન્દ્ર સરકારનો કોઈ નિયમ કે ઠરાવ નથી
આ મુદ્દે કેન્દ્ર સરકારના કર્મચારી અને તાલીમ વિભાગના સંયુક્ત સચિવ એસ.ડી. શર્માએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર IAS IPS અધિકારીઓની નિયુક્તિ કરીને રાજ્ય સરકારોને મોકલે છે. હવે તેઓ તેમની ઓફિસમાં મુલાકાતીઓને મળવાના સમય અને વર્તન એ એમની ઈચ્છા મુજબ કરી શકે છે અને એના માટે કેન્દ્ર સરકારની કોઈ સૂચના કે આદેશ નથી કારણ કે અલગ અલગ જગ્યાએ સ્થિતિ અલગ અલગ હોય છે. ધારાસભ્યો અને સાંસદો માટે પાર્લામેન્ટરી અફેર્સ વિભાગ પ્રોટોકોલ બનાવે છે અને એ પ્રમાણે અધિકારીઓએ પ્રોટોકોલ ફોલો કરવાના હોય છે.