Get The App

નસવાડીમાં રસ્તાની સુવિધા નહી મળતાં પેટ્રોલ છાંટી યુવક જીવતો સળગ્યો

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
નસવાડીમાં રસ્તાની સુવિધા નહી મળતાં પેટ્રોલ છાંટી યુવક જીવતો સળગ્યો 1 - image


Vadodara News : નસવાડીના એક વાળંદે રસ્તાની સમસ્યાને લઈને શરીર પર પેટ્રોલ છાંટી  સળગી જતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નસવાડીમાં કન્યાશાળા બિલ્ડિંગની પાછળના ભાગમાં નસવાડીના વાળંદ બાબુભાઈ ચીમનભાઈ ભાટીયા પરિવાર સાથે રહે છે. વર્ષોથી કન્યાશાળામાંથી અવર જવર માટે તેઓ રસ્તાનો ઉપયોગ કરતા હતાં. પરંતુ કન્યાશાળાની એક કરોડના ખર્ચે નવી બિલ્ડિંગ બની ત્યારે વાળંદ પરિવાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરોને કમ્પાઉન્ડમાંથી રસ્તો આપવા માટે વિનંતી કરતા છતાં તેઓની રજૂઆત સાંભળવામાં આવી ન હતી.

બાબુભાઇ તેમજ તેમની પત્નીએ ઉચ્ચ કક્ષાએ પણ આ અંગે રજૂઆતો કરી હતી પરંતુ રસ્તાનું કોઇ નિરાકરણ આવ્યું ન હતું. દરમિયાન બાબુભાઈ વાળંદ સાંજના સમયે શરીર ઉપર પેટ્રોલ છાંટી અને પ્રાથમિક શાળાનું જ્યાં બિલ્ડીંગ બની રહ્યું છે ત્યાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હાલ ગંભીર રીતે દાઝી ગયો છે.

બાબુભાઇની પત્નીએ આક્ષેપ કર્યો હતો  કે વારંવાર વિનંતી કરવા છતાંય બિલ્ડિંગ બનાવી નાખવામાં આવ્યું અને અમને રસ્તો ના આપવામાં આવ્યો. 30 વર્ષથી અમે આ રસ્તો આવવા જવા માટે ઉપયોગ કરતા હતા ત્યારે અધિકારી અમારી રજૂઆત ના સાંભળતા આખરે મારા પતિએ પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. 

શાળામાં કામ કરતા મજૂરોના જણાવ્યા મુજબ તેઓ શાળાના કેમ્પસમાં આવીને તેઓના શરીર ઉપર માચીસ મારી દેતા તેઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આખા શરીરે દાઝી ગયેલા બાબુભાઇને પ્રથમ નસવાડી અને બાદમાં વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.



Google NewsGoogle News