ભાવનગરથી વેળાવદર ઉદ્યાન, લોથલ, કેવડિયાને જોડતી સીધી એસટી બસ નથી
- પ્રવાસનમાં સ્થાનિક લોકોને વ્યાપક પ્રમાણમાં રોજગારી આપવાની ગુંજાઈશ
- ઉનાળાનું વેકેશન નજીકમાં છે ત્યારે મધ્યમ વર્ગના પરિવારો માટે નજીકના પર્યટન સ્થળોએ પહોંચવાનું જ મુશ્કેલ
જિલ્લામાં વેળાવદર ભાલ ખાતે આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર મૃગને ટોળાબંધ ઉછળકૂદ કરતા નિહાળવા એ લ્હાવો છે. આ ઉપરાંત, વન્ય જીવ સૃષ્ટિ, પંખીઓને નિહાળવાનો અવસર પણ મળતો હોય છે. વર્ષમાં ચોમાસાના ચાર માસ તા. ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉદ્યાન બંધ રહે છે. આથી આઠ માસ ઉદ્યાન પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે. પરંતુ વેળાવદર સુધી પહોંચવા માટે એસટી બસની સુવિધા જ ઉપલબ્ધ નથી. એ જ રીતે ઐતિહાસિક પુરાતત્વીય સાઈટ લોથલ ભાવનગર-અમદાવાદ માર્ગ પર ભાવનગરથી અંદાજે ૯૭ કિમી દૂર છે. પરંતુ લોથલ પહોંચવા માટે ભાવનગરથી એસટીની બસ સુવિધા જ ઉપલબ્ધ નથી.
કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચવા માટે ભાવનગરથી સીધી એસટી બસ સુવિધા નહીં હોવાથી હાલ વડોદરા થઈને જવું પડે છે. એસટીએ મધ્યમ વર્ગીય પરિવારો માટે પરિવહન માટેનું મહત્વપૂર્ણ અને સુલભ સાધન છે. આથી પ્રવાસન ધામોને અનુલક્ષીને એસટી દ્વારા બસ સુવિધા શરૂ કરવામાં આવે તો મધ્યમ વર્ગીય લોકોને સપરિવાર પ્રવાસ પર્યટન પર જવાનો અવસર મળે.
પ્રવાસનને વિકસાવવાની મોટી મોટી ગુલબાંગો વચ્ચે ફેંકાય છે. છૂટપૂટ પ્રયત્ન થાય છે પરંતુ સુગ્રથિત પ્રયાસ થતા નથી. પરિણામે સ્થાનિક લોકોને વ્યાપકપણે રોજગારી આપવાની ગુંજાઈશ ધરાવતો આ ઉદ્યોગ છે ત્યારે તેના વિકાસ માટે યોગ્ય પ્રયત્નની આવશ્યકતા છે.