Get The App

ભાજપ વિરુદ્ધ કામ કરેલાને વોર્ડ પ્રમુખ બનાવતા કાર્યકરોમાં ભારે આક્રોશ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
ભાજપ વિરુદ્ધ કામ કરેલાને વોર્ડ પ્રમુખ બનાવતા કાર્યકરોમાં ભારે આક્રોશ 1 - image


સુરત શહેરમાં ભાજપ દ્વારા 30 વોર્ડના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત સાથે જ કાર્યકરોમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે.  30 વોર્ડમાંથી એક પ્રમુખ તો ભાજપ વિરુદ્ધ કામ કર્યું હતું જ્યારે બીજા તો પાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે ઉભા રહ્યાં હતા તેવાને વોર્ડ પ્રમુખ બનાવી દીધા છે. જ્યારે એક વોર્ડ પ્રમુખ તો નવા છે તેમને કોઈ ઓળખતું નથી જ્યારે એક વોર્ડમાં તો માત્ર ચાર સમર્થક હતા તેવાનો પ્રમુખ બનાવી દેવાયા છે. આમ વોર્ડ પ્રમુખ માટે માનીતાને ગોઠવવા માટે વય મર્યાદા પણ ભુલી જવામાં આવી છે અને બે ટર્મના સક્રિય સભ્ય નો નિયમ પણ બાજુ મૂકી દેવામા આવ્યો છે. આમ વોર્ડ પ્રમુખ ની જાહેરાત સાથે પાંચ વોર્ડમાં તો વિરોધ ઉભો થયો છે આગામી દિવસમાં નવો વિરોધ બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

ભાજપના વોર્ડ  પ્રમુખ બનવા માટે હવે સુરત અને ગુજરાતમાં પહેલી વાર હોદ્દા માટે ઈચ્છુક ભાજપ કાર્યાલય પર ઉંમરના પુરાવા સાથે ફોર્મ ભરવામાં આવ્યા હતા.  ત્યારબાદ વોર્ડ  પ્રમુખ માટે પણ ફોર્મ ભરાવવા નો પ્રયોગ કરવામાં આવ્યો છે. ભાજપે વોર્ડ  પ્રમુખ માટે વય મર્યાદા નક્કી કરી દીધી હતી અને ત્યાર બાદ ચૂંટણી અધિકારી આવ્યા હતા અને તેમની સામે દાવેદારોને સમર્થન પણ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રક્રિયા પારદર્શક હોવાનો દાવો કરવામા આવ્યો હતો પરંતુ 30 વોર્ડ પ્રમુખ જાહેર કરવાની સાથે જ પારદર્શકતિનો ફુગ્ગો ફુટી ગયો છે અને બે દિવસમાં જ 30 વોર્ડમાંથી પાંચ પ્રમુખ સામે કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી દીધી છે.

સુરતના વોર્ડ નંબર  13  ( વાડી ફળિયા- નવાપુરા- બેગમપુરા- સલાબતપુરા) માં જેમને વોર્ડ પ્રમુખ તરીકે કાર્યકરોએ કરણ ઠાકોર ની ભલામણ કરી હતી અને ભેગા થયેલા 90 ટકા કાર્યકરોએ તેમના નામની ભલામણ કરી હતી. જોકે, આ વોર્ડના પ્રમુખ તરીકે સિદ્ધાર્થ શાહે પણ ફોર્મ ભર્યું હતું પરંતુ તેમની  તરફદારી ભાગ્યે જ કોઈએ કરી હતી. પરંતુ ભાજપના નેતાઓએ સિદ્ધાર્થ શાહને પ્રમુખ જાહેર કર્યા છે. કાર્યકરોમાં રોષ એટલે છે કે, આ વોર્ડ પ્રમુખ જાહેર થયાં છે તે ભાજપ સામે 2015માં પાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે અને ભાજપને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેવાનો પ્રમુખ જાહેર કરી દેવાતા કાર્યકરો નારાજ છે. 

આવી જ રીતે વોર્ડ નંબર 8 ( ડભોલી-સીંગણપોર)માં મનોજ ખેરને રીપીટ કરવામા આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ આપ વચ્ચે કાંટાની ટક્કર હતી ત્યારે આ વોર્ડ પ્રમુખે ભાજપ વિરોધ માં કામ કર્યું હતું તેવી ફરિયાદ ભાજપના નેતાઓએ કરી હતી. આવી ગંભીર ફરિયાદ છતાં પણ તેમને વોર્ડ પ્રમુખ બનાવી દેવાતા કાર્યકરોમાં નારાજગી છે. આ ઉપરાંત આ વોર્ડમાં પ્રજાપતિ અને પરપ્રાંતીય ની વસ્તી છે તેથી તેમાંથી કોઈને વોર્ડ પ્રમુખ બનાવવામાં આવે તેવી માંગણી હતી પરંતુ ખેરને પ્રમુખ બનાવવા આ સમીકરણને પણ નજર અંદાજ કરવામાં આવ્યા હતા તેથી કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

આ ઉપરાંત વોર્ડ નંબર 11 ( અડાજણ-ગોરાટ)માં તીર્થેશ ઢબુવાલા અને યુવા મોરચાના પ્રમુખ  દાવેદાર હતા જેમાં 34 કાર્યકરોએ યુવા મોરચાના પ્રમુખ ની ભલામણ કરી હતી 4 કાર્યકરોએ તીર્થેશ ઢબુવાલા ની ભલામણ કરી હતી જેમાંથી પક્ષે ઢબુવાલાને પ્રમુખ બનાવતા કાર્યકરોમાં ભારે રોષ છે. 

આ ઉપરાંત વોર્ડ નંબર 3માં વોર્ડ પ્રમુખ તરીકે શૈલષ ઈટાલીયાના નામની જાહેરાત કરી હતી તેમને કોઈ સિનિયર કાર્યકર ઓળખતા નથી તેથી પહેલા જ દિવસે વિરોધ કરવામા આવ્યો હતો અને હાલ ફોટો સેશનમાં પણ વિરોધ કરવામા આવ્યો હતો. આ ઉપરાંત વોર્ડ નંબર 20માં આનંદ ગાંધીને વોર્ડ પ્રમુખ બનાવાયા છે તેનાથી કાર્યકરો નારાજ છે અને એવું કહી રહ્યાં છે વોર્ડ પ્રમુખ માટે બે ટર્મ સક્રિય સભ્યના ક્રાઈટેરિયા છે જ્યારે ગાંધી એક જ ટર્મથી સક્રિય સભ્ય છે. આ ઉપરાંત વોર્ડ નંબર 11  અને વોર્ડ નં 8ના વોર્ડ પ્રમુખ 40થી મોટી વયના છે તેમ છતાં તેમને વોર્ડ પ્રમુખ બનાવ્યા છે તેથી ફોર્મ ભરવાની અને ક્રાઈટેરિયા બનાવ્યા તે માત્ર દેખાડો હતો તેવો બળાપો કાર્યકરો કાઢી રહ્યાં છે.


Google NewsGoogle News