અઠવાગેટ પર મ્યુનિ.ના બોર્ડ 'સુરત બનેગા નંબર-1' સામે જ મસમોટો ભુવો
ભારે ટ્રાફિકની અવરજવર હોય છે તે
- ઉબડખાબડ રસ્તા બાદ હવે નવા-નવા વિસ્તારોમાં ભુવા પડવા લાગ્યા ઃ કોંગ્રેસે દેખાવો કરતા અટકાયત
સુરત
અઠવાગેટ ખાતે પાલિકા દ્વારા મસમોટુ લગાડેલ અબ સુરત બનેગા નંબર ૧ ના બોર્ડની સામે જ મસમોટો ભુવો પડતા પાલિકાની આબરુના લીરેલીરા ઉડયા હતા કે આ નંબર વન સુરત છે ? પાલિકા દ્વારા કોર્ડન કરીને વાહનોની અવર જવર શરૃ કરાઇ હતી. તો બીજીતરફ મોડી સાંજે કોગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનો કરતા પોલીસે અટકાયતમાં લીધા હતા.
ચોમાસાના ચાર મહિનામાં સુરત શહેરના રસ્તાઓની થયેલી કંડમ હાલતના કારણે માત્ર શહેરીજનો જ નહીં, પાલિકાના કોર્પોરેટરો, ધારાસભ્યો અને કાર્યકરોએ પાલિકાની કામગીરી સામે ભારે પસ્તાળ પાડી હતી. ખુદ મેયરે પણ ચીમકી આપી હતી. તો પાલિકા કમિશ્નરે પણ અધિકારીઓને રસ્તાઓ ચકાચક કરવા માટે રાત દિવસ દોડાવ્યા હતા. આવી કામગીરી વચ્ચે હાલ માંડ માંડ રસ્તાઓ ખરાબની ફરિયાદો ઓછી થઇ છે ત્યારે આજે અઠવાગેટ જે ટ્રાફિકથી ભરચક રહે છે ત્યાં જ મસમોટો ભુવો પડતા પાલિકાનું તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. પીક અવર્સમાં જ ભુવો પડતા ટ્રાફિક જામના દશ્યો સર્જાયા હતા. તો પાલિકા દ્વારા યુદ્વના ધોરણે ભુવા રીપેરની કામગીરી હાથ ધરાઇ હતી.
સૌથી મહત્વની બાબત એ છે કે અઠવાગેટની જે જગ્યાએ ભુવો પડયો હતો તે જગ્યાની બરોબર સામે પાલિકા દ્વારા એક ઉંચુ બોર્ડ લગાવ્યુ હતુ. જેમાં એક આંકડામાં મોટા અક્ષરે લખ્યુ હતુ. સાથે જ આજુબાજુ લખ્યુ હતુ કે નંબર ૧ બનેગા સુરત. આમ સુરતને નંબર વન બનાવવાના સ્વપ્ના વચ્ચે પાલિકાની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મોડી સાંજે કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરતા પોલીસે કાર્યકરોને અટકાયતમાં લીધા હતા.