'હોટલમાં બોમ્બ છે,જલ્દી ખાલી કરાવો' રાજકોટની 10 હોટલને ધમકીથી દોડધામ
દિવાળી ટાણે ધમકીભર્યા ઈ-મેઈલથી ભય ફેલાવવાનું ષડયંત્ર : બોમ્બઝ ઈન ધ હોટેલ્સ-વિષય પર દરેકને કાન દિન નામથી સરખા ઈમેઈલ મોકલાયા,હોટલો ખાલી કરાવી સઘન ચેકીંગ
રાજકોટ, : રાજકોટની 10 મોટી હોટલોને 'મેં તમારી હોટલમાં દરેક લોકેશન ઉપર બોમ્બ મુક્યા છે...જલદી ખાલી કરાવો' તેવી ધમકી આપતા ઈ-મેઈલ મળતા ભારે દોડધામ મચી ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિત પોલીસ ટીમો હોટલો પર ધસી ગઈ હતી અને હોટલો ખાલી કરાવીને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસસૂત્રો અનુસાર રાજકોટની (1) ઈમ્પીરીયલ પેલેસ (2) હોટલ ગ્રાન્ડ રિજેન્સી (3) હોટલ સયાજી (4) સીઝન્સ (5) ભાભા (6) સેન્ટોસા (7) એલીમેન્ટ્સ (8) હોટલ જ્યોતિ (9) બીકોન (10) હોટલ પેરેમાઉન્ટ ઈન એ 10 હોટલોને એક સરખા ઈમેલ મોકલીને બોમ્બની ધમકી અપાયાની જાણ થતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સહિતની ટીમોએ દરેક હોટલ પર ધસી જઈને ડી.સી.પી. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં હોટલના રૂમો, કિચનથી માંડીને બહાર પાર્ક થયેલા વાહનો વગેરેનું સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન હોટલના સ્ટાફ અને ઉતારૂઓને બહાર મોકલીને હોટલ ખાલી કરાવાઈ હતી. જો કે પ્રાથમિક તપાસમાં રાત્રિ સુધીમાં કોઈ વાંધાજનક નહીં મળતા રાહતનો શ્વાસ લેવાયો હતો.
તમામ હોટલોને ' બોમ્બ્સ ઈન ધ હોટલ્સ' એવા સબજેક્ટ સાથે એક સરખા લખાણના ઈ-મેઈલ મોકલાયા છે જેમાં સેન્ડર તરીકે કાન દિન નામ લખાયું છે. જે કોઈ બોગસ નામ હોવાની શક્યતા છે. મોકલનારનું ઈ-મેઈલ એડ્રેસ 'ડેનકોકો૧૦૧એફ એટ આઉટલૂક.કોમ ' અપાયું છે. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા મોકલનારની ઓળખ મેળવવા સઘન તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે આ હોટલો એવી છે જેમાં મોટા રાજકારણીઓથી માંડીને ક્રિકેટરો વગેરેની અવરજવર રહેતી હોય છે. હાલ દિવાળી તહેવારોમાં લોકો હરવા ફરવા જતા હોય છે અને નજીકના દિવસોમાં લગ્નગાળો આવી રહ્યો હોય હોટલોનો ઉપયોગ પણ વધતો હોય છે ત્યારે આ ધમકીથી ગભરાટ ફેલાયો હતો. ધમકી આપનારા હોટલ ખાલી કરાવવાની સૂચના અંગ્રેજીમાં કેપીટલ અક્ષરોમાં આપી હતી જે અન્વયે તેનો ઉદ્દેશ ભય ફેલાવવાનો હોવાનું પણ અનુમાન થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે હજુ ત્રણ સપ્તાહ પહેલા જ રાજકોટ અને વડોદરા એરપોર્ટ પર બોમ્બની પરોક્ષ ધમકીભર્યા મેઈલ મોકલાયા હતા અને સી.આઈ.એસ.એફ.અને પોલીસ સહિત સિક્યુરિટી સ્ટાફે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં પણ એરલાઈન્સને ધમકીભર્યા ઈમેઈલ મોકલાયા હતા જેનાથી ફ્લાઈટ ડીલે કરવી પડતા કરોડોનું નુક્શાન અને મુસાફરોને હાલાકી થતી હોય છે. મુંબઈમાં એક ટીનએજરને ધમકી બદલ પોલીસે ગિરફ્તાર પણ કર્યો હતો છતાં આ સિલસિલો જારી છે જેની પાછળ કોઈ ષડયંત્રકારી ટોળકી સક્રિય હોવાની શંકા જન્મી છે.