મ્યુુનિ.ના ઉધના-બી ઝોનમાં હજી 170 બિસ્માર મિલકત અકસ્માતની રાહ જુએ છે
સચિન-પાલી મકાન હોનારત બાદ મ્યુનિ. શીખ લે તો સારૃં
જર્જરિત મિલકતોને નોટિસ આપ્યા બાદ મ્યુનિ. શાહમૃગની નીતિ અપનાવી રહી હોવાથી લોકોએ જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે
સુરત,
સુરત મ્યુનિ. દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં બિસ્માર મિલકતોનો સર્વે કરવામાં આવે છે અને પછી બિસ્માર મિલકતોને રીપેર કરવા કે ઉતારી લેવા માટેની નોટિસ આપવામાં આવે છે. પણ મ્યુનિ. બસ્માર મિલકતોની કામગીરીમાં શાહમૃગ નીતિ અપનાવે છે તેના કારણે બિસ્માર મિલકતમાં રહેતા લોકોને માથે જોખમ છે. આ નીતિના કારણે જ પાલી વિસ્તારમાં મિલકત હોનારત થઈ તેમાં સાત લોકોએ જીવ ગુમાવવા પડયા છે. મ્યુનિ.ના ઉધના બી ઝોન વિસ્તારમાં 171 મિલકત બિસ્માર હતી, તેમાંથી એક તુટી પડી છે હજી 170 બિસ્માર મિલકત સામે મ્યુનિ. કોઈ કામગીરી કરી ન હોવાથી એ મિલકતમાં રહેનારા માથે પણ જોખમ છે.
સુરતમાં ચોમાસા પહેલાં 14 જુને સુરત મ્યુનિ. કમિશ્નરે શહેરની જર્જરિત મિલકતોની રિવ્યુ બેઠક કરી હતી. જેમાં શહેરમાં હજી પણ ૨૪૨ મિલકત ઉતારી પાડવી પડે તેવી હોવાનું બહાર આવ્યું હતું. જર્જરિત મિલકત જો મિલકતદારો ઉતારે નહી તો મ્યુનિ.એ આવી મિલ્કતોના નળ જોડાણ અને ડ્રેનેજ જોડાણ કાપવા માટેના આદેશ કર્યા છે. મ્યુનિ.ના આદેશ બાદ તમામ ઝોન દ્વારા જર્જરિત મિલકત પર જાહેર નોટિસ લગાડીને બિલ્ડીંગ ઉતારવાની તથા નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા માટેની કામગીરી શરૃ કરી હતી.
મ્યુનિ.ના સર્વેમાં સૌથી વધુ જર્જરિત મિલકત ઉધના બી ઝોન કનકપુર કનસાડમાં 171હોવાનું બહાર આવ્યું હતું. મ્યુનિ. કમિશનરે જર્જરિત મિલકતમાં રહેતા મિલકતદારો કે કબજેદારો મિલકત રીપેર નહી કરાવે તો તાત્કાલિક નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા સુચના આપી હતી. તેમ છતાં પણ અધિકારીઓએ બિસ્માર મિલકત સામે કોઈ નક્કર કામગીરી કરી ન હતી. જેના કારણે થોડા દિવસ પહેલાં સેન્ટ્રલ ઝોનમાં બે મિલકત અને ગઈકાલે ઉધના બી ઝોનમાં સચિનના પાલી ગામે એક મિલકત તુટી પડી હતી.
મ્યુનિ.એ આ બિસ્માર મિલકતના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા સાથે વસવાટ ખાલી કરાવ્યો હોત તો સાત લોકોના જીવ બચાવી શક્યા હોત. જોકે, હજુ પણ શહેરમાં સંખ્યાબંધ બિસ્માર મિલકત સામે મ્યુનિ.એ કોઈ કામગીરી કરી નથી. તેમાં માનદરવાજા ટેનામેન્ટનો પણ સમાવેશ થાય છે. સચિન-પાલીની દુર્ઘટના બાદ પણ જો મ્યુનિ. તંત્ર નહી જાગે તો આ ઘટનાનું પુનરાવર્તન થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.