Get The App

માત્ર દિવસે જ ચોરી કરતો રીઢો ચોર ઝડપાયો કોર્ટમાં ચોરીના કેસની મુદતમાં હાજરી બાદ સાંસરોદમાં ચોરી કરી

તાંદલજાના નિહાલ ઉર્ફે નેહલે સાંસરોદમાં સોનાના દાગીનાની કરેલી ચોરી કબૂલી ઃ રોકડ સહિતની મત્તા કબજે કરાઇ

Updated: Feb 23rd, 2025


Google NewsGoogle News
માત્ર દિવસે જ ચોરી કરતો રીઢો ચોર ઝડપાયો  કોર્ટમાં ચોરીના કેસની મુદતમાં હાજરી બાદ સાંસરોદમાં ચોરી કરી 1 - image

વડોદરા, તા.23 વડોદરા શહેર અને જિલ્લામાં માત્ર દિવસે જ ચોરીઓ કરતા રીઢા ચોરને જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો. કરજણ તાલુકાના સાંસરોદ ગામે બે દિવસ પહેલાં થયેલી રૃા.૮ લાખથી વધુ કિંમતની ચોરી ઉપરાંત અન્ય ચોરીના ભેદ પણ ઉકેલાયા છે.

આ અંગેની વિગત એવી છે કે સાંસરોદ ગામે તાજેતરમાં થયેલી ચોરીની ઘટના બાદ જિલ્લા એલસીબી તેમજ કરજણ પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં પણ થોડા દિવસો પહેલાં થયેલી ચોરીની ઘટનાઓ એક જ એમઓની થઇ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત આરોપીઓની વિગતો તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અગાઉ ચોરીમાં ઝડપાયેલો રીઢો ચોર નિહાલ ઉર્ફે નેહલ રાજેન્દ્રકુમાર બારોટ (રહે.અલમદીના રેસિડેન્સી, તાંદલજા, વડોદરા)ની હાજરી કરજણમાં હોવાનું જણાયું  હતું.

પોલીસે તેની માહિતી મેળવી વડોદરા નજીક તેને એક સ્કૂટર સાથે ઝડપી પાડયો હતો. સ્કૂટરની ડીકીમાં તપાસ કરતાં ચોરીની રોકડ રૃા.૧.૮૫ લાખ, એક મોબાઇલ મળ્યો હતો. તેની પાસેથી કુલ રૃા.૨.૭૦ લાખનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે તા.૧૯ના રોજ કરજણ કોર્ટમાં એક મુદત માટે ગયો હતો અને મુદતની કાર્યવાહી પૂર્ણ કરી બપોરે સ્કૂટર લઇને સાંસરોદ ગયો ત્યારે એક બંધ મકાનનું તાળું ડિસમીસથી તોડી તિજોરીમાંથી સોનાના દાગીનાની ચોરી કરી હતી.

જિલ્લાની છ ચોરીના ભેદ ખૂલ્યા

તાંદલજા વિસ્તારમાં રહેતો રીઢો ચોર નિહાલ ઉર્ફે નેહલ બારોટ ઝડપાતા કરજણ તાલુકાના સાંસરોદ ગામની ચોરી ઉપરાંત ડભોઇ તાલુકાના કુંવરપુરા, સાવલી તાલુકાના આસોજ ગામે, પાદરા તાલુકાના સેજાકુવા અને મુવાલ ગામે તેમજ વડોદરા નજીક ભાયલીમાં અર્બન સોસાયટીના મકાનમાં ચોરી કરી હોવાનો ભેદ ખૂલ્યો હતો.

રીઢા ચોર સામે એક ડઝનથી વધુ ગુના

કરજણ તાલુકાના સાંસરોદ ગામે રહેતો નિહાલ ઉર્ફે નેહલ રીઢો ચોર છે તેની સામે એક ડઝન જેટલા ગુના નોંધાયા છે. વડોદરા શહેરમાં જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં સાત ગુના, ગોરવામાં એક, તાલુકામાં બે ગુના અને કરજણમાં એક ગુનો નોધાયો છે. કરજણના ગુનામાં જ કોર્ટમાં હાજરી આપવા આવ્યો અને ચોરી કરી  હતી.


Google NewsGoogle News