રતન મહાલ ફરવા જવાનું ભારે પડ્યું : માંજલપુર વિસ્તારની સૌજન્ય સોસાયટીના મકાનમાંથી રૂ.78 હજારની મતાની ચોરી
Vadodara Theft Case : વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં તસ્કર ટોળકીએ ભારે આતંક મચાવ્યો હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ટોળકી માત્ર ચોરી નથી કરતી પરંતુ ઘરમાં હાજર લોકોને નુકસાન પણ પહોંચાડતી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ફરી માંજલપુર વિસ્તારમાં રહેતો પરિવાર પંચમહાલના રતન મહાલ ખાતે ફરવા માટે ગયો હતો. ત્યારે તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને તિજોરીમાંથી 78 હજારની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સૌજન્ય સોસાયટીમાં રહેતા ઇશાનકુમાર દિનેશકુમાર મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી છે કે એક ઓક્ટોબરના રોજ હું પરિવાર સાથે સવારે સાડા સાત વાગે અમારા મકાનને તાળું મારીને પંચમહાલ જિલ્લાના રતન મહાલ ખાતે ફરવા માટે ગયા હતા. 2 ઓક્ટોબરના રોજ રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં અમે પરત ઘરે આવ્યા હતા. ત્યારે અમારા ઘરની બહાર લોખંડની જાળી મેં મારેલું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા. ત્યારબાદ બેડરૂમમાં મુકેલો સામાન અસ્ત વસ્ત કરી નાખ્યો હતો અને લોખંડની તિજોરીના ડ્રોવરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા 41,000 મળી કુલ 78,000 ની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર સહિત સમગ્ર જિલ્લામાં તસ્કર ટોળકીએ આતંક મચાવ્યો છે. મોડી રાતના દુકાને ધારી તસ્કરોએ ટોળકી આવતી હોવાની દહેશતના કારણે લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.