મકાનમાં આવેલા મઢમાંથી 8.37 લાખના દાગીનાની ચોરી : આરોપી ઝબ્બે
રાજકોટમાં તસ્કરોનો તરખાટ યથાવત : કુલ 2 મકાનમાંથી દસે'ક લાખની મત્તાની ચોરી : પંચાયતનગરની ચોરીનો ભેદ ઉકેલાયો
રાજકોટ, : રાજકોટના પંચાયતનગરમાં થયેલી 9 લાખની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લઈ રાજસ્થાનથી તસ્કર ટોળકીને ઝડપી લીધી ત્યાં વધુ બે મકાનમાંથી દસેક લાખની મત્તાની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જો કે મઢમાંથી થયેલી 8.37 લાખની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી લઈ એક આરોપીને સકંજામાં લીધો હતો.
ચુનારાવાડ શેરી નં. 8માં રહેતા અને ડ્રાઈવીંગ કરતા રાજેશ બાબુભાઈ માલાણી (ઉ.વ. 45)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે તે અને પરિવારના સભ્યોએ ઘરમાં રહેલ દાદાના મઢની પૂજા કરી હતી. રાત્રે દસેક વાગે મઢને તાળું મારી સુઈ ગયા હતા. આજે વહેલી સવારે પાણી ભરવા માટે જાગતાં જોયું તો મઢમાંથી સોનાના બે છતર, સોનાના નાના-મોટા 18 હાર, સોનાના 4 કડા અને 2 ટીકકા વગેરે મળી કુલ રૂા. 8.37 લાખના દાગીના ગાયબ મળતાં થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી રાજેશભાઈના સંબંધી વિશાલને સકંજામાં લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કરવા તજવીજ કરી હતી.
જયારે રાજકોટ તાલુકા પોલીસમાં રૂા. 1.53 લાખની મત્તાની ચોરીની બીજી ફરિયાદ નોંધાઈ હતી. વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં બકાલાના વેપારી દિપકભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ. 40)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે સાંજના પરિવારના સભ્યો રિક્ષામાં વાંકાનેરના મેળમાં ગયા હતા. માવતર વાંકાનેરમાં જ રહેતા હોવાથી રાત ત્યાંજ રોકાઈ ગયા હતા. આજે સવારે ઘરે આવીને જોયું તો ડેલીનું તાળું ગાયબ મળ્યું હતું. લોખંડની જાળી પરનું તાળું પણ જોવા મળ્યું ન હતું. અંદર જઈ રૂમમાં જોતાં સામાન વેર-વિખેર પડયો હતો. કબાટની તિજોરીમાંથી ચાંદીના સાંકળા, ચાંદીની ગાંસડી, કાનમાં પહેરવાની સોનાની બુટી અને રોકડા રૂા. 75,000 મળી કુલ રૂા. 1.53 લાખની મત્તા ગાયબ મળી હતી. તેથી પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોલ કર્યા બાદ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.