જામનગરમાં બંધ રહેણાંક મકાનમાંથી હોમ થિયેટર, પ્રેશર કુકર અને પાણીની મોટર સહિતના સામાનની ચોરી : પડોશી સામે શંકા
Jamnagar Theft Case : જામનગર શહેરના મયુરનગર વિસ્તારમાં એક બંધ મકાનમાંથી હોમ થિયેટર, પ્રેશરકુકર, પાણીની મોટર સહિતના સામાનની ચોરી થઈ જતાં ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના મયુરનગર વિસ્તારમાં જયેશભાઈ હરીલાલભાઈ જોષી ગત તા.23.8 ના રોજ પોતાના ઘરને તાળું મારી પોરબંદર રહેતા તેમના ભાઈના ઘરે ગયા હતા. દરમિયાન તા.31.8 ના રોજ તેમના પાડોશી રાહુલ મનુભાઈ ધોકીયાએ તેમને ફોન કરી તમારા ઘરના તાળા ટુટી ગયા છે, તેવું કહેતા, તેમણે તું મારા ઘરે જોઈ આવ તેમ કહ્યું હતું.
જેથી રાહુલે તેના ભાઈ અલ્પેશને જોવા મોકલેલ અને અલ્પેશભાઈ વિડયો કોલકરીને ઘર બતાવ્યું હતું. ત્યારે તેમના ઘરમાં રાખેલ હોમ થિયેટર, ટ્રાવેલીંગ બેગમાં રાખેલ કાંડા ઘડિયાલ, દાઢી કરવાનું ટ્રીમર તેમજ પાણી ભરવાની મોટર, પ્રેશર કુકર તેમજ ઘીનો ડબ્બો વગેરે વસ્તુઓ ગાયબ હતી.
ત્યારબાદ ગત તા.14.10 ના રોજ પણ તેઓ ઘરને તાળું મારી પોરબંદર ગયા હતા અને 15.10 ના રોજ રાત્રિના દસ વાગ્યાના અરસામાં પરત આવતાં ઘરની ડેલીનું તેમજ મકાનનું તાળુ તૂટેલું હતુ અને મકાનની અંદર રાખે પાણીની જૂની મોટર તેમજ ગેસ સિલિન્ડર જોવામાં ન આવતાં તેમણે સીટી સી. ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને શકદાર તરીકે તેના પાડોશી રામભાઈ આહિર અને વેવાઈનું નામ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.