સાસરીમાં રાત્રે ઊંઘવા માટે ગયેલા મેનેજરના ઘરમાં ચોરો ત્રાટક્યા
માંજલપુરના મોલમાં પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા જયપુરના વેપારીની બેગની ચોરી
વડોદરા, તા.5 ન્યુ વીઆઇપીરોડ વિસ્તારની સોસાયટીમાં રહેતો યુવાન પત્ની સાથે સાસરીમાં ઊંઘવા ગયો અને ઘરમાં ત્રાટકેલા ચોરો રૃા.૪.૫૨ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
ન્યુ વીઆઇપીરોડ પર ખોડિયારનગર રોડ પર શ્રીજી વિલા સોસાયટીમાં રહેતા નિકેત રાજેશકુમાર ગાંધીએ બાપોદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આણંદની એક ખાનગી કંપનીમાં હું આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું. તા.૩ની રાત્રે ૧૧ વાગે હું પત્ની અને પુત્રી ત્રણે કમળાનગર તળાવની બાજુમાં રાજેશ્વરપાર્ક સોસાયટીમાં રહેતા સાસુ પ્રફુલાબેનના ઘેર ઊંઘવા માટે ગયા હતાં.
બીજા દિવસે સવારે હું છ વાગે ઘેર ગયો ત્યારે મારા ઘરના લોખંડના દરવાજાનો નકૂચો તૂટેલો હતો તેમજ બેડરૃમમાં મૂકેલ તિજોરીના દરવાજા તૂટેલા અને સામાન વેરવિખેર જણાયો હતો. અંદરથી સોનાના દાગીના, ચાંદીની ભગવાનની મૂર્તિઓ અને રોકડ રૃા.૪૭ હજાર મળી કુલ રૃા.૪.૫૨ લાખની ચોરી થઇ હોવાનું જણાયું હતું.
ચોરીના અન્ય એક બનાવમાં રાજસ્થાનના જયપુરમાં અગ્રવાલ ફાર્મમાં રેહતા ગોવિંદ ચંદુભાઇ ખત્રી જયપુરમાં સાંગાનેર સ્ટેડિયમ પાસે સફારી પ્રિન્ટ નામની કપડાંની દુકાન ચલાવે છે. સપ્ટેમ્બર માસમાં વડોદરામાં માંજલપુર ખાતેના ઇવા મોલ ખાતે એક પ્રદર્શન હોવાથી તેમાં ભાગ લેવા માટે તેઓ વડોદરા આવેલ તે સમયે કપડાં તેમજ અન્ય લેડિઝ આઇટમ ભરેલ સામાન ભરેલી બેગો પૈકી રૃા.૧૨ હજાર કિંમતનો સામાન મૂકેલી એક બેગની ચોરી થઇ હતી. આ અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.