અણખોલમાં મેનેજરનો પરિવાર બેંગકોક ગયો અને ચોરો ત્રાટક્યા
વાસણા કોતરીયામાં મકાનમાંથી ચોરો તિજોરી તોડી દાગીના ઉઠાવી ગયા ઃ બે બનાવમાં કુલ રૃા.૬ લાખથી વધુની મત્તાની ચોરી
સાવલી તા.૨૧ વડોદરા નજીક અણખોલ ગામે રહેતા ખાનગી કંપનીના મેનેજર પરિવાર સાથે બેંગકોક ગયા ત્યારે ઘરમાં ત્રાટકેલા ચોરો બે બેડરૃમમાં મૂકેલા સોના-ચાંદીના દાગીના સહિત રૃા.૫.૨૮ લાખની મત્તા ઉઠાવી ગયા હતાં.
મધ્યપ્રદેશના ભોપાલના મૂળ રહીશ પરંતુ હાલ અણખોલમાં તક્ષ ડિવાઇન સોસાયટીમાં રહેતા અમિત વિરેન્દ્રભાઇ જોષીએ મંજુસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું એલ એન્ડ ટી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. તા.૧૩ના રોજ રાત્રે ઘરનું લોક મારી પરિવાર સાથે બેંગકોક ફરવા માટે ગયા હતાં. તા.૧૬ની રાત્રે સોસાયટીમાં રહેતા વિક્રમભાઇનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેમણે જણાવેલ કે ઘરના દરવાજાનું તાળું તૂટેલું છે ચોરી થઇ હોય તેમ લાગે છે.
આ અંગે પોલીસને જાણ કરવાનું કહ્યા બાદ તા.૧૮ના રોજ હું પરત આવ્યો ત્યારે ઘરમાં તપાસ કરતાં નીચેના તેમજ ઉપરના બેડરૃમમાં મૂકેલી તિજોરીના ડ્રોઅર તૂટેલા જણાયા હતાં અને અંદર મૂકેલ સોના-ચાંદીના દાગીના તેમજ સાઉદી કરન્સી મળી કુલ રૃા.૫.૨૮ લાખની મત્તા ચોરી થઇ હોવાનું જણાયું હતું. સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતાં તા.૧૬ના રોજ સવારે છ વાગે એક બાઇક પર ત્રણ ચોરો સોસાયટીમાં પ્રવેશતા તેમજ સાત વાગે બહાર જતા જણાયા હતાં.
ચોરીના અન્ય બનાવમાં વાસણા કોતરીયા ગામમાં ગાજનીયા વગામાં રહેતા અજય રમેશભાઇ ગોહિલે મંજુસર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા મકાનનું ચણતર કામ ચાલતું હોવાથી નજીકમાં રહેતા નાગજી રબારીનું મકાન એક વર્ષ માટે ભાડે રાખી તેમાં ઘરનો સામાન રાખ્યો છે. તા.૧૭ના રોજ સવારે છ વાગે હું જાગીને લઘુશંકા જવા માટે બહાર નીકળ્યો હતો ત્યારે મેં ભાડે રાખેલા ઘરની લોખંડની જાળી ખુલ્લી હતી અને તાળું તૂટેલું જણાયું હતું. લાઇટ નહી હોવાથી મોબાઇલની લાઇટથી અંદર જઇને જોતા તિજોરી તૂટેલી હતી તેમજ અંદરથી રૃા.૭૩ હજાર કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી.