ભાણવડનાં કબરકા ગામે ખેડૂતનાં મકાનમાંથી રૂા. 21 લાખની ચોરી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ભાણવડનાં કબરકા ગામે ખેડૂતનાં મકાનમાંથી રૂા. 21 લાખની ચોરી 1 - image


સગાઇ પ્રસંગમાં જતાં પાછળથી તસ્કર ત્રાટક્યા 2 રૂમમાં સામાન વેર-વિખેર કરીને તસ્કરો રોકડ-દાગીના ઉસેડી ગયા : જાણભેદુ શખ્સો  ચોરીમાં સંડોવાયા હોવાની શક્યતા સાથે  તપાસ શરૂ

ખંભાળિયા,  ભાણવડ તાલુકાના કબરકા ગામે ગઈકાલે સવારે કોઈ તસ્કરોએ સગાઈ પ્રસંગમાં ગયેલા એક ખેડૂત  પરિવાર બંધ મકાનમાં પ્રવેશ કરી, રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 3.21 લાખનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.

વિગત મુજબ ભાણવડથી 22 કિલોમીટર દૂર આવેલા કબરકા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા વરવાભાઈ પરબતભાઈ નંદાણીયા નામના 55 વર્ષના આધેડ ગઈકાલે મંગળવારે સવારે 9  વાગ્યાથી બપોરે 4 વાગ્યા દરમિયાન તેમનું મકાન બંધ કરીને પત્ની સાથે એક સગાઈના પ્રસંગમાં બહાર ગયા હતા, ત્યારે પાછળથી કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશ કરી અને ઘરના રૂમના દરવાજાના નકુચા કોઈ ધારદાર હથિયારો વડે તોડી પાડયા હતા.

અહીં તસ્કરોએ મકાનના બંને રૂમમાં રહેલો તમામ માલસામાન વેર વિખેર કરી નાખ્યો હતો. એક રૂમમાં રહેલા નાના કબાટ તથા પેટારામાં રાખવામાં આવેલા રૂપિયા 40,000 રોકડા તથા રૂપિયા 2.55 લાખની કિંમતના આશરે સાડા આઠ તોલા સોનાના હાર  સહિતના તમામ દાગીના  મળી કુલ રૂપિયા 3 લાખ 21 હજારનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે.

આ પ્રકરણમાં પોલીસે ડોગ સ્કવોડ તથા ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની પણ સેવા લીધી હતી. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મકાન માલિક વરવાભાઈ નંદાણીયાના બે સંતાનો પૈકી એક અમદાવાદ તથા એક પોરબંદર બેંકમાં નોકરી કરે છે. સવારના સમયે આ દંપતી તેઓનું ઘર બંધ કરી ગામમાં એક સગાઈ પ્રસંગે ગયા હતા ત્યાં પાછળથી તસ્કરોએ હાથફેરો કર્યો હોવાનું પણ વધુમાં જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં કોઈ જાણભેદુ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ આરંભી હતી.


Google NewsGoogle News