વડોદરા: સાસરીમાં બાળકોને લેવા પહોંચેલા યુવકે રૂ. 2.22 લાખની મત્તા ગુમાવી
વડોદરા, તા. 19 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં અજાણ્યા ગઠિયા પાર્ક કરેલી કારનો કાચ તોડી રોકડા રૂપિયા 1.70 લાખ અને લેપટોપ ,મોબાઇલફોન , અગત્યના ડોક્યુમેન્ટ ભરેલી બે બેગો સહિત 2.22 લાખની મત્તા ચોરી ફરાર થઈ ગયાનો બનાવ ફતેગંજ પોલીસ મથકે નોંધાયો છે.
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં રહેતા સુજલભાઈ ભટ્ટ ખાનગી જિમ્નેશિયમ શાખામાં નોકરી કરે છે. ગઇકાલે તેઓ સાસરી મહેસાણા નગર ખાતે આવેલી તાસ્કંદ સોસાયટીમાં આવેલી હોય પોતાના બાળકોને લેવા માટે ગયા હતા. તે સમયે તેમણે પોતાની કાર તાસ્કંદ સોસાયટીની બહાર રોડ ઉપર પાર્ક કરી હતી.
દરમિયાન અજાણ્યા ગઠિયા કારના પાછળના દરવાજાનો કાચ તોડી બે બેગની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. જેમાં લેપટોપ ,બે મોબાઈલફોન અને રોકડા 1.70 લાખ મળી 2.22 લાખની મતાનો સમાવેશ થાય છે. ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.