Get The App

યુવકને માથામાં પથ્થરો મારી ગંભીર ઘાયલ કરી ઝાડીઓમાં ફેંકી દીધો

ચાર હુમલાખોરો પૈકી ત્રણ ઝડપાઇ ગયા : ઇજાગ્રસ્ત યુવક સયાજીમાં સારવાર હેઠળ

Updated: Jan 15th, 2025


Google NewsGoogle News
યુવકને માથામાં પથ્થરો મારી ગંભીર ઘાયલ કરી ઝાડીઓમાં ફેંકી દીધો 1 - image

વડોદરા,ઝઘડો કરતા લોકોને છોડાવવા  પડેલા યુવક પર ચાર હુમલાખોરોએ પથ્થર વડે હુમલો કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હત્યાની કોશિશ કરી હતી. ત્યારબાદ યુવકની લાશ ઝાડીઓમાં ફેંકી દીધી હતી. જવાહર  નગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ચાર પૈકી ત્રણ  હુમલાખોરોને ઝઢપી પાડયા છે.

ઉંડેરા જલારામ નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા સુનિલગીરી ગોસ્વામીએ જવાહર નગર પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  હું અને મારો  પુત્ર રિલાયન્સ   પેટ્રોલ પંપની સામે શાકભાજીનો ધંધો કરીએ છીએ. ગત તા.૧૩ મી એ બપોરે ત્રણ વાગ્યે મારો દીકરો કિશનગીરી ઘરેથી અમારી બંનેનું જમવાનું ટિફિન લઇને આવ્યો હતો. સાડા ત્રણ વાગ્યે પેટ્રોલ પંપ સામે કેટલાક લોકો ઝઘડો કરતા હતા. મારો દીકરો તેઓને છોડાવવા માટે ગયો હતો. તેઓને છોડાવ્યા  પછી પરત આવીને તેણે જણાવ્યું હતું કે, મંગળ યાદવ અને ગોવિંદનો છોકરા અર્જુનને અન્ય છોકરાઓ સાથે મારામારી થઇ હતી. ત્યારબાદ મારો દીકરો ઘરે જતો રહ્યો હતો.  રાતે આઠ વાગ્યે  હું ધંધા પરથી ઘરે ગયા હતા. મારી  પત્નીએ દીકરાને સાંજના સાત વાગ્યાથી રાતના દશ વાગ્યા સુધી  ફોન કર્યા હતા. પરંતુ, તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.રાતે સાડા દશ વાગ્યે મારી પત્ની પર તેના સંબંધીનો  ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તમારા દીકરાને માથામાં માર્યુ હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં લઇ  ગયા છે. હું અને મારી પત્ની સયાજી હોસ્પિટલ દોડી ગયા હતા. મારા દીકરાને માથાના પાછળના ભાગે ચાર ઘા વાગ્યા હતા અને કપાળના ભાગે પણ વાગ્યું હતું. બંને હાથની હથેળી પર પણ ઇજા થઇ હતી. ગોરવા પંચવટી કેનાલ  પાસે સોફિયા સ્કૂલની બાજુમાં તથા પાર્કવૂડ સોસાયટીની નજીકમાં આવેલા બાવળવાળી જગ્યામાં મારીને ફેંકી દીધો હતો. મારા દીકરાને દિનેશગીરી રમાકાંતગીરી, અર્જુનગીરી ગોવિંદગીરી, મંગલરામ અવતારભાઇ યાદવ તથા  રાહુલ તુલસીભાઇ ગુપ્તાએ ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની કોશિશ કરી હતી. જવાહર નગર પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.બી. મોરીએ ઉપરોક્ત ફરિયાદના આધારે  હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી ત્રણ હુમલાખોરોને ઝડપી પાડયા છે. જેમાં (૧) અર્જુનગીરી ગોવિંદગીરી ગોસ્વામી (૨) હરમંગલ રામઅવતાર યાદવ તથા (૩) રાહુલ તુલસીભાઇ ગુપ્તા ( ત્રણેય રહે. ઇન્દિરાનગર, ઉંડેરા  રોડ) નો સમાવેશ થાય છે.


Google NewsGoogle News