યુવકને વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી ઉંચકીને નીચે ફેંકી દીધો
ફેેકી દેતા પહેલા યુવકનું માથું બ્રિજની દીવાલમાં અફાળ્યું અને ગળું દબાવી મારી નાંખવાની કોશિશ કરી
વડોદરા,અટલાદરામાં નજીવી બાબતે તકરાર થતા કલર કામ કરતા શ્રમજીવીને વિશ્વામિત્રી નદીના બ્રિજ પરથી બે આરોપીઓએ ઉંચકીને નીચે નદીમાં ફેંકી દીધો હતો. લોકોએ તેને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યો હતો. અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુ.પી.ના ગોરખપુરમાં રહેતો અનિલ રામબહાદુર ભારદ્વાજ હાલમાં અટલાદરા બાપુનગરમાં રહે છે અને કલર કામની મજૂરી કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી પત્ની તથા બાળકો છેલ્લા ચાર મહિનાથી વતનમાં ગયા છે. મારા ઘરની પાછળ રહેતો મહેશ કાતિલભાઇ સહાનીને ગેસનો બોટલ લેવાનો હોઇ મને વાત કરી હતી.જેથી, અમારી બાજુમાં ગુલાબી વુડાના મકાનમાં રહેતા મારા મામાને કહ્યું હતું કે, મહેશને ગેસનો બોટલ જોઇએ છે. ચાર દિવસ પહેલા હું તથા મામા સવારે ૯ વાગ્યે મહેશ સહાનીના ઘરે ગયા હતા. બારણું બંધ હોઇ અમે ખખડાવતા હું નાહવા બેઠો છું. તેવું મહેશે જણાવ્યું હતું.જેથી, હું તથા મારા મામા ઘરે જતા રહ્યા હતા. બપોરે હું ઘરે એકલો હતો. તે સમયે મહેશ તથા મુકેશ મુન્નાભાઇ સહાની મારા ઘરે આવ્યા હતા. મહેશે મને કહ્યું હતું કે, તું મારા ઘરે કેમ આવ્યો હતો. મેં તેને જણાવ્યું કે, તારે ગેસનો બોટલ લેવાનો હતો. તે કહેવા માટે આવ્યા હતા. મામાના કોઇ ઓળખીતાનો ગેસનો બોટલ આપવાનો છે. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. સાંજે સાડા સાત વાગ્યે હું મારા ઘરેથી ચાલતો વિશ્વામિત્રી બ્રિજ પર ગયો હતો. હું ફોન પર મારી પત્ની સાથે વાતો કરતો હતો. ત્યારે મહેશ સહાની અને મુકેશ સહાની ટુ વ્હીલર ગાડી પર આવ્યા હતા. મહેશે મારી સાથે ઝઘડો કરી કહેવા લાગ્યો કે,તું મામાને લઇને મારા ઘરે કેમ આવ્યો ? મહેશ તથા મુકેશ મને મારવા લાગ્યા હતા. મુકેશે મને પકડી રાખ્યો હતો અને મહેશે વિશ્વામિત્રી બ્રિજની દીવાલ સાથે મારૃં માથું અફાળ્યું હતું. મને કપાળ તથા માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. મહેશે મારૃં ગળું દબાવી મારી નાંખવાની કોશિશ કરી હતી. મહેશ અને મુકેશે મને ઉંચકીને બ્રિજ પરથી નીચે નદીમાં ફેંકી દીધો હતો. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. દરમિયાન પોલીસ પણ આવી ગઇ હતી. મને નદીમાંથી બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા હતા.