ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના અધિકારીની ઓળખ આપી યુવકનું અપહરણ કરી ૧૦ લાખની માંગણી
યુવક પાસેથી ૧.૪૫ લાખ ટ્રાન્સફર કરાવી લઇ અમદાવાદ જઇ છોડી દીધો : ત્રણ નકલી પોલીસવાળા ઝડપાયા
વડોદરા,વાસી ઉત્તરાયણના દિવસે વહેલી સવારે ધનિયાવી રોડ પર રહેતા શ્રમજીવીના ઘરે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચના પોલીસવાળાના સ્વાંગમાં જઇને ચાર આરોપીઓએ તેનું અપહરણ કર્યુ હતું. કારમાં બેસાડી હાઇવે પર લઇ જઇ શ્રમજીવી પાસે ૧૦ લાખની ખંડણી માંગી હતી. જોકે, ત્યારબાદ શ્રમજીવી પાસેથી ૧.૪૫ લાખ ટ્રાન્સફર કરાવી અમદાવાદ જઇ તેને છોડી દીધો હતો. કપુરાઇ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ધનિયાવી રોડ આદર્શ નગરમાં રહેતો આસિક હસનમુલ્લા કલર કામ કરે છે. કપુરાઇ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૫ મી જાન્યુઆરીએ હું પરિવાર સાથે જમી પરવારીને સૂઇ ગયો હતો. ૧૬ મી તારીખે સવારે સાડા છ વાગ્યે કોઇએ મારા ઘરનો દરવાજો ખખડાવતા હું ઉઠયો હતો. બહાર ચાર વ્યક્તિઓ ઉભા હતી. તે પૈકી એક વ્યક્તિએ પૂછ્યું કે, આસિક મુલ્લા કોન હૈ ?મેં કહ્યું કે, હું જ આસિક છું. તેઓએ મને જણાવ્યું કે, હમ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ પોલીસ થાને સે આયે હૈ. આસિક જલદી સે કપડે પહન લે. મે તેઓને પૂછ્યું કે, ક્યા હુઆ ? કોઇ ગલતી હો ગઇ ક્યા ? ઔર કિસને મેરે ખિલાફ ફરિયાદ કી હૈ ? ત્યારે એક વ્યક્તિએ કહ્યું કે, કુછ નહીં હુઆ. એક દો ઘંટે પૂછતાછ કરકે આપકો જાને દેંગે. ત્યારબાદ ચારેય વ્યક્તિઓએ મને માર મારી નીચે ઉતારી લઇ આવ્યા હતા અને મારી પત્નીને ઉપર રહેવા માટે જણાવ્યું હતું. મકાન માલિકે પૂછ્યું કે, ક્યાં લઇ જાવ છો ?ત્યારે તેઓએ કહ્યું કે, જૂની મેટર છે એટલે પૂછપરછ માટે લઇ જઇએ છીએ. તેઓએ મને સફેદ કલરની કારમાં બેસાડી દીધો હતો. હાઇવે પર ગાડી લઇ ગયા પછી એક વ્યક્તિએ હિન્દી ભાષામાં જણાવ્યું કે, આપ ૧૦ લાખ કા ઇન્તજામ કર દો. આપકો યહા સે જાને દુંગા. મેં તેઓને કહ્યું કે, મારી પાસે આટલા પૈસા નથી. તેઓએ ધમકી આપતા કહ્યું કે, પૈસે તો તેરે કો દેને હોંગે વરના તેરે કો જાન સે માર ડાલેંગે.તેઓની ધમકીથી ડરીને મેં ૧.૪૫ લાખ તેઓએ કહેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.
કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.સી.રાઓલે ટેકનિકલ સોર્સના આધારે ત્રણ આરોપીઓ (૧) જયકુમાર કાંતિભાઇ મેતીયા (રહે. ચાણક્ય એપાર્ટમેન્ટ, ગોતા, અમદાવાદ, મૂળ રહે. ગામ નિન્દ્રોડા, પરમાર વાસ, તા.સિદ્ધપુર, પાટણ) (૨) ચિરાગ અમરતભાઇ ચાવડા (રહે. મંજી ભીલની ચાલી, અમરાઇ વાડી, અમદાવાદ, મૂળ રહે. પાટણ) તથા (૩) મોહંમદઇકરામ નઇમભાઇ મેમણ (રહે.લક્ઝુરીયા રેસિડેન્સી, ફતેવાડી, અમદાવાદ, મૂળ રહે. પાલનપુર) ને ઝડપી પાડયા હતા.