વડોદરા: સિંગાપુર ખાતે નોકરીની લાલચમાં યુવકે 2.20 લાખ ગુમાવ્યા
વડોદરા, તા. 22 નવેમ્બર 2021 સોમવાર
સિંગાપુરમાં નોકરી અર્થે ઇચ્છુક યુવકને 1.30 લાખ પગારની લાલચ આપી ખર્ચ પેટે 2.20 લાખ પડાવી લઈ ડુપ્લિકેટ વિઝા પધરાવી છેતરપિંડી આચરનાર ત્રિપુટી વિરુદ્ધ મકરપુરા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે નોંધનીય છે કે યુવકે માતા પત્નીના દાગીના ગીરવે મૂકી વિદેશ જવા રકમ એકત્ર કરી હતી.
વડોદરા શહેરના મકરપુરા ગામમાં રહેતા સુર સિંગ મંજુસર જીઆઈડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વિદેશમાં નોકરી અર્થે જવાની ઇચ્છા ધરાવતા હોય આશિષ બારોટ ( રહે - સંસ્કાર દર્શન સોસાયટી, જાંબુઆ બાયપાસ, વડોદરા ) નો સંપર્ક સાધ્યો હતો.
જ્યાં આશિષ બારોટે જણાવ્યું હતું કે, સિંગાપુરમાં 1.30 લાખનું વેતન મળશે અને જવાનો ખર્ચ 2.50 લાખ થશે. રકમ વધુ હોય તેમણે ઇનકાર કરતાં આશિષ બારોટ અને હાર્દિક ત્રિવેદી ( રહે - શ્રી કુંજ રેસીડેન્સી, આલમગીર, વડોદરા) ખર્ચની રકમ બે મહિનામાં વસુલ થઇ જવાની લાલચ આપતા પત્નીના તથા માતાના ઘરેણા મુથૂટ ફાઇનાન્સ માં ગીરવે મૂકી ટુકડે ટુકડે 2.20 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.
ત્યારબાદ મોબાઈલ ફોનમાં મોકલેલા સિંગાપુર માટેના વિઝાની ઓનલાઇન ચકાસણી દરમિયાન વિઝા ડુપ્લિકેટ હોવાનું બહાર પર આવ્યું હતું. આ દરમિયાન બિઝનેસ પાર્ટનર તરીકેની ઓળખ આપનાર હર્ષ રાવલ ( રહે- ક્રિશ સોસાયટી, સુંદરપુરા રોડ , વડોદરા) એ વિઝા ઓરીજનલ હોવાની ખાતરી આપી હતી. ત્યારબાદ રૂપિયા પરત ના આપી ખોટા વાયદા કર્યા હતા.
આ ઉપરાંત દિપક પ્રસાદ નામની વ્યક્તિ સાથે પણ આ ત્રિપુટીએ સિંગાપુર મોકલવાના બહાને 60 હજાર પડાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોતે છેતરાયાની જાણ થતા ફરિયાદીએ મકરપુરા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.