લગ્ન નહીં કરે તો બદનામ કરી દેવાની ધમકી યુવકે આપતા યુવતિએ આપઘાત કર્યો
ઉત્તર પ્રદેશના ઝાલોન જિલ્લાના પડરી ગામે રહેતા ખેડૂત આઝાદ ખાન શબ્બીરખાન મન્સૂરી એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારે સંતાનમાં ત્રણ છોકરાઓ તથા ત્રણ છોકરીઓ છે. મારી દીકરી અફસાના બાનુ ના લગ્ન થયા નથી તેણે બીએ ના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી વડોદરામાં રહે છે અફસાના બાનુ દરબાર ચોકડી પાસે આવેલ કોચર ઇનફોટેક કોલર સેન્ટરમાં નોકરી કરતી હતી અને માંજલપુર સૂર્ય દર્શન સોસાયટીમાં રહેતી હતી. જુલાઈ 2024 માં મારી દીકરી ઘરે આવી ત્યારે જણાવ્યું હતું કે પ્રદીપ શિવ દયાલ પરિહાર (રહે સરવા ગામ જીલ્લો ઝાંસી ઉત્તર પ્રદેશ ) સાથે મારે કેટલાક સમયથી પ્રેમ સંબંધ છે પરંતુ મારે તેની સાથે લગ્ન નથી કરવા તેમ છતાં પ્રદીપ મને છેલ્લા બે મહિનાથી ફોન કરે લગ્ન કરવા દબાણ કરી પરેશાન કરે છે. ગત છઠ્ઠી ડિસેમ્બરે મારી દીકરી એ ફોન કર્યો હતો તે ખૂબ જ રડતી હતી અને રડતા રડતા તેને જણાવ્યું હતું કે, પ્રદીપ લગ્ન કરવાનું દબાણ કરે છે અને જો લગ્ન નહીં કરે તો બદનામ કરી નાખીશ અને સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે તેવું કહી ધમકાવે છે તમે પ્રદીપને સમજાવો નહીંતર મારે મરવાનો વારો આવશે અમે અમારી છોકરી ને સમજાવી આશ્વાસન આપી શાંત કરી હતી. ત્યારબાદ મારી પુત્રીએ આ ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો.