રાજસ્થાનથી સુરત એમ.ડી.ડ્રગ્સ મોકલનાર યુવાન બે વર્ષ બાદ ઝડપાયો
નવેમ્બર 2021 માં નિયોલ ચેક પોસ્ટ પાસેથી 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા રાજસ્થાનથી આવેલા યુવાન પકડાયો હતો
- નવેમ્બર 2021 માં નિયોલ ચેક પોસ્ટ પાસેથી 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા રાજસ્થાનથી આવેલા યુવાન પકડાયો હતો
સુરત, : સુરતના નિયોલ ચેક પોસ્ટ ખાતેથી નવેમ્બર 2021 માં ઝડપાયેલા 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સને મોકલનાર રાજસ્થાનના યુવાનનો પુણા પોલીસે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ધરપકડ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા નવજીવન હોટલ પાસેના કવિતા રો હાઉસમાં રહેતા જૈમીન સવાણીએ મંગાવેલા 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા રાજસ્થાનથી આવેલા પ્રવિણકુમાર બલવંતારામ વાના ( બિસ્નોઈ ) ( ઉ.વ.27, રહે.કાવાખેડા પ્રાથમિક શાળાની બાજુમાં, દાંતીવાસ ગામ, તા.ભીનમાલ, જી.ઝાલોર, રાજસ્થાન ) ને સુરત એસઓજીએ 9 નવેમ્બર 2021 ના રોજ નિયોલ ચેક પોસ્ટ પાસેથી ઝડપી પાડી તેણે બાજુના ગામના જે યુવાન પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું તે આશુરામ રાયચંદ ખીલેરી ( બિસ્નોઈ ) ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.બાદમાં એમ.ડી.ડ્રગ્સ મંગાવનાર સરથાણાના જૈમીન સવાણીને પણ ઝડપી પાડી તેણે એમ.ડી.ડ્રગ્સ વેચતા સારા પૈસા મળતા એમ.ડી.ડ્રગ્સ જાતે બનાવી વેચીને મોટો નફો કમાવા માટે સરથાણા જકાતનાકા સ્થિત રાજવીર શોપીંગ સેન્ટરમાં ભાડાની ઓફિસમાં ઉભી કરેલી લેબોરેટરીમાં એસઓજી-પુણા પોલીસે રેડ કરી એમ.ડી.ડ્રગ્સ બનાવવાના સાધનો અને કેમિકલ-પાવડર કબજે કર્યા હતા.
દરમિયાન, નિયોલ ચેક પોસ્ટ પરથી ઝડપાયેલું 58.530 ગ્રામ એમ.ડી.ડ્રગ્સને મોકલનાર 30 વર્ષીય ખેતમજુર આશુરામ રાયચંદ ખીલેરી ( બિસ્નોઈ ) ( રહે.ચારણીયોની રાણી પાસે, પુનાસા, તા.ભીનમાલ, જી.જાલોર, રાજસ્થાન ) ડ્રગ્સના ગુનામાં રાજસ્થાનમાં ઝડપાતા પુણા પોલીસે તેનો ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી ગતરોજ તેની ધરપકડ કરી હતી.