Get The App

પોરબંદરના યુવાને કોસ્ટગાર્ડ શીપના લોકેશન સહિત માહિતી પાકિસ્તાન મોકલી

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
પોરબંદરના યુવાને કોસ્ટગાર્ડ શીપના લોકેશન સહિત માહિતી પાકિસ્તાન મોકલી 1 - image


ગુજરાત ATSની ટીમ પોરબંદર આવીને યુવાનને ઉઠાવી ગઇ : 8 મહિનાથી સોશ્યલ મીડિયા મારફત સંપર્કમાં હોવાનું તથા રિયા નામની પાકિસ્તાની યુવતીએ 26,000 રૂપિયા UPIથી યુવાનના એકાઉન્ટમાં જમા કરાવ્યાનું ખૂલ્યું

પોરબંદર, : પોરબંદરનો એક યુવાન પાકિસ્તાનની રીયા નામની યુવતી સાથે છેલ્લા આઠ મહિનાથી સંપર્કમાં હતો.અને ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ આ શખ્સે એ યુવતીને કોસ્ટગાર્ડની શીપના લોકેશન સહિતની ગુપ્ત માહિતીઓ વોટસએપના માધ્યમથી મોકલ્યાનો ઘટસ્ફોટ થતા ભારે ચકચાર જાગી છે.અને ગુજરાત એ.ટી.એસ.ની ટીમ પોરબંદર આવીને એ શખ્શને ઉઠાવી ગઇ છે. તથા તેની ઉંડાણભરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એ.ટી.એસ.ના પી.એસ.આઈ. આર.આર. ગરચરને એવી ગુપ્ત માહિતી મળી હતી કે પોરબંદરના બોખીરામાં આવેલા કે.કે.નગર વિસ્તારમાં લાલાભાઈ ઘંટીવાળાની બાજુની ગલીમાં રહેતો પંકજ દિનેશ કોટીયા નામનો શખ્શ છેલ્લાં કેટલાક સમયથી પાકિસ્તાનની આર્મી કે જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ.ના કોઈ અધિકારી અથવા એજન્ટના સંપર્કમાં છે. અને પોરબંદર કોસ્ટગાર્ડની જેટીતથા જેટી ઉપર આવતી ભારતીય કોસ્ટગાર્ડની બોટ અંગેની સંવેદનશીલ માહિતી પોતાના મોબાઇલફોનમાં સાશ્યલ મીડિયાના પ્લેટફોર્મથી મોકલીને આથક લાભ મેળવી રહ્યો હોવાનુ  ધ્યાને આવતા એ.ટી.એસ. હરકતમાં આવી ગઇ હતી.અને એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પરમારના માર્ગદર્શન હેઠળ એ.ટી.એસ.ની ટીમ અચાનક પોરબંદર ત્રાટકી હતી અને કે.કે.નગર વિસ્તારમાં દરોડો પાડીને પંકજ દિનેશ કોટીયાને અમદાવાદખાતે ઉઠાવી જવામાં આવ્યો છે.અને ઉંડાણથી પૂછપરછ હાથ ધરી હતી.

પંકજ કોટીયાએ એ.ટી.એસ.ની ટીમને એવુ જણાવ્યંુ હતું કે તેનો ધંધો તમાકુ પેકીંગનો છે.અને તે ઉપરાંત છેલ્લા એક વર્ષથી પોરબંદરની જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપમાં વેલ્ડીંગ સહિત અન્ય પરચુરણ મજૂરીકામ માટે હેલ્પર તરીકે કામ કરવા માટે જાય છે. તેથી કોસ્ટગાર્ડની શીપની ઘણી બધી માહિતી તેની પાસે હતી. આઠ મહિના પહેલા તે રીયા નામ ધરાવતી યુવતી સાથે ફેસબુકના માધ્યમથી સંપર્કમાં આવ્યો હતો. અને રીયાએ એવુ જણાવ્યુ હતુ કે તે મુંબઈની છે. અને પાકિસ્તાન નેવી માટે કામ કરે છે.તેમ જણાવી વોટસએપના માધ્યમથી સંપર્ક કર્યો હતો અને પૈસાની લાલચ આપીને જયારે પંકજ જેટી ઉપર હાજર હોય ત્યારે તેની શીપના નામ, કોસ્ટગાર્ડના સીપના લોકેશન સહિતની ગુપ્ત માહિતી માંગી હતી. તેણે આઠ મહિના દરમિયાન પોરબંદરની જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપ વગેરેના નામ લખી વોટસઅપના માધ્યમથી રીયાને મોકલી આપ્યા છે.ઘણી બધી માહિતીઓ તેણે રીયાને આપી છે. તેવી કબુલાત કરી હતી.આ માહિતી આપવા બદલ કટકે-કટકે અગિયાર વખત રીયા નામની મહિલાએ 26000 રૂપિયા અલગ-અલગ યુ.પી.આઈ.થી પંકજ કોટીયાના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. આથી બેન્ક એકાઉન્ટની વિગતો મેળવતા એ.ટી.એસ.ચોંકી ઉઠી હતી અને ટેકનીકલ તપાસ હાથ ધરી હતી.

એ.ટી.એસ. દ્વારા આ  માહિતીની ખરાઈ કરતા તેમાં તથ્ય હોવાનુ જાણવા મળેલ છે. વધુમાં રીયાએ પંકજ કોટીયા સાથે ચેટ કરેલ વોટસએપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઇ રહેલ હોવાનુ ખૂલવા પામેલ છે.આ પ્રકારની સંવેદનશીલ માહિતી જો પાકિસ્તાન જેવા દેશ માટે જાસૂસી કરી રહેલ એજન્ટને મળે તો તે ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતી માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. જે બાબત ધ્યાને લઇ ઉપરોકત માહિતી તથા પુરાવા આધારે પંકજ કોટીયા તથા પાકિસ્તાની મહિલા એજન્ટ રીયા દ્વારા ઇન્ડીયન કોસ્ટગાર્ડના રીસોર્સીસ અંગેની માહિતી ગેરકાયદેસર રીતે નાણાકીય વળતર મેળવી આપ-લે કરેલ હોય તેઓ વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 61  તથા કલમ 148 મુજબ ગુજરાત એ.ટી.એસ. ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પૂરેપૂરી ખબર હતી કે દુશ્મન દેશને માહિતી આપી રહ્યો છે 

ATSના અધિકારીઓએ પૂછપરછ કરી ત્યારે આ શખ્સે એવુ જણાવ્યુ હતુ કે 8 મહિનાથી તે રીયા સાથે સંપર્કમાં આવ્યો ત્યારથી જ તેને ખબર હતી કે તે પાકિસ્તાની એજન્ટની ગુપ્ત માહિતી આપી રહ્યો છે. જાણ્યે-અજાણ્યે નહી પરંતુ જાણી જોઇને માહિતી અપાઇ છે કારણકે રીયાએ અગાઉથી જ તેને એવુ જણાવ્યુ હતુકે પોતે પાકિસ્તાની એજન્ટ છે. છતા પણ દેશની સુરક્ષા ખતરામાં મુકાય તે પ્રકારે માહિતી આપવામાં આવી છે.

રિયાનો વોટસએપ નંબર ભારતનો

ગુજરાત એ.ટી.એસ.ની તપાસમાં એવુ જાણવા મળ્યુ છે કે રીયા નામની પાકિસ્તાનની એજન્ટ હોવાનો દાવો કરતી યુવતીના જે નંબર પરથી તે વોટસએપનો ઉપયોગ કરે છેતે ભારતીય હોવાનું જાણવા મળ્યુ છે.



Google NewsGoogle News