2021નું વર્ષ પૂરૂં, રાજકોટમાં મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ લાઈટહાઉસનું કામ અધુરૂં
દેશમાં ગુજરાત સહિત 6 રાજ્યમાં નવી ટેકનિકથી બાંધકામ : તા. 1-1-2021ના મુખ્યમંત્રીની હાજરીમાં વડાપ્રધાને ખાતમુહુત કર્યું હતું : વડાપ્રધાને ડ્રોન કેમેરાની મદદથી જૂલાઈમાં સમીક્ષા કરી, હવે નવા મુખ્યમંત્રીએ પણ સ્થળ મુલાકાત લીધી
રાજકોટ, : કેન્દ્રના ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા તા. 1-1-2021ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમાં વિશેષ રસ લીધો હતો તેવા દેશમાં અદ્યતન બાંધકામ ટેકનોલોજીથી લાઈટ હાઉસ પ્રોજેક્ટ હેઠળ દેશના છ રાજ્યોમાં છ શહેરોમાં ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં રૈયા વિસ્તારમાં ૧૧૪૪ આવાસોનું ખાતમુહુર્ત વડાપ્રધાનના હસ્તે કરાયું હતું. આ વખતે આ ટેકનોલોજીથી કામગીરી ઝડપી, માત્ર 12 માસમાં થશે તેવા કરાયેલા દાવાની સચ્ચાઈ આજે બરાબર એક વર્ષ બાદ તપાસ કરતા આ કામગીરી હજુ પૂરી થઈ નથી અને બલ્કે માર્ચ સુધીમાં માંડ પૂરી થાય તેમ છે.
બરાબર એક વર્ષ પહેલા આ માટે લાખોના ખર્ચે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સરકારના ઉચ્ચ અધિકારીઓ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. રાજ્ય સરકારે આ કામગીરી સમયસર થાય તે સુનિશ્ચિત કરશે તેવી ખાત્રી આપી હતી.
કેન્દ્ર સરકારે વિશ્વભરમાંથી 54 ટેકનોલોજી પસંદ કરી તેમાંથી (1) ગુજરાતના રાજકોટમાં ટનલ મોનોલિથીક (2) મ.પ્ર.ના ઈન્દોરમાં પ્રિફેબ્રીકેટેડ સેન્ટ્રીક (3) તમિલનાડુના ચેન્નાઈમાં અમેરિકા-ફીનલેન્ડની પ્રિકાસ્ટ પધ્ધતિ (4) ઝારખંડના રાંચીમાં જર્મનીની થ્રી ડી ટેકનિક (5) અગરતલામાં ન્યુઝીલેન્ડની સ્ટીલ ફ્રેમ અને (6) ઉ.પ્ર. કે જ્યા ચૂંટણીનો માહૌલ છે તેના લખનૌમાં કેનેડાની એમ 6 બાંધકામ ટેકનિકથી આવાસો બાંધવા એક સાથે અમલ શરૂ કરાયો હતો.
ગત જૂલાઈમાં વડાપ્રધાને અંગત રસ લઈને ડ્રોન કેમેરાની મદદથી આ તમામ આવાસોના બાંધકામોની ઓનલાઈન સમીક્ષા કરી હતી. રાજકોટમાં સમયાંતરે મુખ્યમંત્રી અને વારંવાર મેયર, કમિશનર સહિત અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ કામગીરી સમયસર પૂર્ણ થાય તે માટે વિઝિટ કરીછે. ગઈકાલે નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ સ્થળની મુલાકાત લીધી હતી.
પરંતુ, આ આવાસો માટે ડ્રો થઈ ગયો છે, અરજદારો નાણાં પણ ભરવા લાગ્યા છે પરંતુ, હજુ પ્રોજેક્ટ 30થી 35 ટકા બાકી છે. 3 ટાવરના કામ જ બાકી છે. ઈજનેરી સૂત્રો કહે છે હજુ ત્રણ માસનો સમય લાગશે.
બીજી તરફ આ આવાસો સસ્તા પણ નહીં પડે, પ્રજાની તિજોરીમાંથી પ્રતિ 40 ચો.મી.ના ટુ બેડ, હોલ, કિચનના 1144 ફ્લેટ તથા આંતરિક રસ્તા સહિતના કામ માટે રૂ 118 કરોડનો ખર્ચ કર્યો છે. અર્થાત્ એક આવાસ દીઠ અધધ રૂ 10.31 લાખનો ખર્ચ થશે. જો કે મનપા સૂત્રો અનુસાર પરંપરાગત બાંધકામ ટેકનિક કરતા ઓછો સમય લાગશે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે એક વર્ષ થવા છતાં રાજકોટમાં અન્ય કામો માટે આ ટેકનિક અપનાવાઈ નથી.