જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી મોસમે ફરીથી મિજાજ બદલ્યો
સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર શહેર અને જિલ્લામાં પણ આજે સવારથી મોસમે મિજાજ બદલ્યો છે, અને વહેલી સવારથી જ આકાશમાં વાદળો ના ગંજ ખડકાઈ ગયા હોવાથી સૂર્ય દેવતાના દર્શન દુર્લભ બન્યા છે, અને વાદળછાયા વાતાવરણને લઈને ટાટોડું છવાયુ છે. તેમજ વરસાદના છાંટા પડે તેવી પણ શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
જામનગર શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઝાકળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, જેના કારણે ઝાકળભીની સવાર થઈ હતી, અને ધુમ્મસ ભર્યું તેમજ ભેજ યુક્ત વાતાવરણ હોવાના કારણે વહેલી સવારે વાહનચાલકોએ પોતાના વાહનો ચલાવવા દુષ્કર બન્યા હતા, અને વાઇપર ચાલુ રાખીને તેમજ લાઈટ ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો.
હવામાન ખાતા દ્વારા આગામી બે દિવસ સુધી માવઠાની શક્યતાઓ દર્શાવાઇ હોવાથી હજુ બે દિવસ આવું જ વાદળછાયું વાતાવરણ બનેલું રહેશે, તેમ જ કમોસમી વરસાદના છાંટા પડે તેવી પણ શક્યતાઓ દર્શાવાઇ રહી છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરમાં લઘુતમ તાપમાન ૧૬.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ, જયારે મહત્તમ તાપમાન ૨૩.૬ ડિગ્રી સેન્ટિગેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૨ ટકા રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે રહી હતી.