રૃા.૪૧.૫૪ કરોડના ખર્ચે ફેબુ્રઆરીથી કામનો પ્રારંભ મારેઠાથી પિંગલવાડા સુધી વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન ક્ષમતા વધશે
માટી બહાર કાઢી અને કાંસની સફાઇ કરાશે, નદીમાં ટેકરો હશે તો હટાવાશે ઃ પાંચ તબક્કામાં કામગીરી કરાશે
વડોદરા, તા.22 વડોદરા શહેરમાં પૂરનું નિમિત્ત બનેલ વિશ્વામિત્રી નદીમાં પાણીની વહન ક્ષમતા વધારવા માટેની કાર્યવાહી હાથ ધરવાનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરના બહારના વિસ્તાર માટે વિશ્વામિત્રી નદીને પહોળી કરી પાણીની વહન ક્ષમતા વધારવા માટે સિંચાઇ વિભાગ દ્વારા આશરે રૃા.૪૧.૫૪ કરોડના કામો માટેની કાર્યવાહીનો પ્રારંભ થયો છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં ચોમાસાની ઋતુ દરમિયાન પાણીની વહન ક્ષમતા વધારવા માટે તેમજ પૂરની સ્થિતિ ફરી ના સર્જાય તે માટે વડોદરા શહેર વિસ્તારમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવનાર છે પરંતુ કોર્પોરેશનની હદની બહારના વિસ્તાર માટે વિશ્વામિત્રી નદીની કામગીરી વડોદરા સિચાઇ વિભાગને સોંપવામાં આવી છે. સિચાઇ વિભાગ દ્વારા આ કામગીરી શરૃ કરી દેવાઇ છે અને ચોમાસાની ઋતુ પહેલા કામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા નજીક મારેઠા ગામ પાસેથી પાદરા તાલુકાના પિંગલવાડા ગામ સુધી આશરે ૨૫ કિ.મી. લાંબો વિસ્તાર વિશ્વામિત્રી નદીને પહોળી કરવા માટેની કામગીરી પાંચ તબક્કામાં કરવામાં આવશે. આ માટે પ્રાથમિક દ્રષ્ટિએ રૃા.૪૧.૫૪ કરોડના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે. આ માટે વિશ્વામિત્રી નદીની આઉટ સાઇટ પર ક્લિયરિંગ, રીસેક્શનિંગ અને કાંપ દૂર કરવાની કામગીરી ફેબુ્રઆરી માસમાં જ શરૃ કરી દેવામાં આવે તેવી ગણતરી રાખવામાં આવી છે.
તંત્ર દ્વારા અગાઉ સીકોન પ્રા.લી. દ્વારા નદીનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેમાં નદીમાંથી પાણી સરળતાથી પાસ થઇ શકે તે માટે માટી સફાઇ ઉપરાંત જંગલ કટિંગ અને એસ્કેવેશનના કામો હાથ ધરાશે. નદીના વહેણને કોઇ ટેકરો અવરોધતો હોય તો તેને પણ દૂર કરવામાં આવશે. પ્રથમ ફેઝની આ કામગીરી બાદ નદીમાં પાણીની વહન ક્ષમતામાં વધારો થશે તેવો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.