અપહરણ અને બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો
પોલીસે બેંક કર્મચારીઓનો સ્વાંગ રચી આરોપીના વતનમાં જઇ વિગતો ભેગી કરી
વડોદરા,યુવતીને ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં સામેલ આરોપી છેલ્લા ૯ વર્ષથી નાસતો ફરતો હતો. સિટિ પોલીસે બેંક કર્મચારીઓનો સ્વાંગ રચી આરોપીના વતનમાં જઇ તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૯ વર્ષ પહેલા સિટિ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. જેની વિગત એવી હતી કે, આરોપી શાંતુ ઇલુભાઇ નિનામા ( રહે. ગામ પાંચખીરીયા, જાંબુવા, મધ્યપ્રદેશ, હાલ રહે. શુભ દર્શન ગ્રીન ટીમ્બી તળાવ પાસે, હનુમાનપુરા, વડોદરા) યુવતીને ભગાડી ગયો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ગુનામાં આરોપી છેલ્લા ૯ વર્ષથી ફરાર હતો. પોલીસે તેની ધરપકડ માટે સીઆરપીસી ૭૦ મુજબનું વોરંટ પણ કોર્ટમાંથી મેળવ્યું હતું. આરોપી પકડાતો નહી હોવાથી ડીસીપી પન્ના મોમાયાની સૂચના મુજબ, સિટિ પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.બી.ચૌહાણે સ્ટાફને તપાસ કરવા માટે આરોપીના વતનમાં મોકલ્યો હતો. પોલીસની ટીમે બેન્ક કર્મચારીઓનો સ્વાંગ રચી ગ્રામજનો સાથે હળી મળી આરોપીના હાલના સરનામાની વિગતો મેળવી હતી. આરોપી હનુમાનપુરા રહેતો હોવાની માહિતી મળતા જ પોલીસ સ્ટાફે તેને ઝડપી પાડયો હતો.