અમદાવાદ ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસ: વાસણા રાઠોડમાં બે જીગરજાન મિત્રની એક સાથે અર્થી ઉઠતાં ગામ હિબકે ચડયું
Dehgam Naroda Highway Accident : રાજ્યમાં દારૂબંધી હોવા છતા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાઓ વધી છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર દારૂ પીને કાર હંકારતા શખ્સે ડિવાઇડર કૂદાવીને કાર વાસણા રાઠોડના બે નિર્દોષ યુવાનોને કચડી નાંખતા તેમના સ્થળ ઉપર મોત થયા હતા. નાનકડા ગામમાં જીગરજાન બે મિત્રોની અર્થી એક સાથે ઉઠતાં ગામ હિબકે ચઢ્યું હતું. એક બાજુ સરકાર દારૂબંધીનું કડકપણે પાલન કરાવવાની વાતો કરી રહી છે. ત્યારે રાજ્યના આર્થિક કેપિટલ એવા અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઇવને કારણે અક્સ્માતોની ઘટનાઓ વધી છે.
આ સ્થિતિમાં પોલીસે રાત્રે ઝુંબેશ ચલાવીને નિર્દોષોને દંડવાનું પણ શરૂ કર્યું છે ત્યારે દહેગામ નરોડા હાઇવે ઉપર નશામાં ચકચૂર કારચાલકે બે યુવાનોને કચડી નાંખ્યાની ઘટના બહાર આવી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતા વિશાલ દીપસિંહ રાઠોડ (ઉંમર 26) અને અમિત ભરતસિંહ રાઠોડ (ઉંમર 27) નરોડામાં નોકરી કરતા હતા અને કામથી તેમના મોપેડ ઉપર ઘરે પાછા ફરી રહ્યા હતા.
આ દરમિયાન નરોડામાં હરિદર્શન ચાર રસ્તા પાસે ગેલેક્સી બંગલોઝમાં રહેતો મિતેશ ઉર્ફે ગોપાલ રમેશભાઇ પટેલ દારૂના નશામાં બેફામરીતે તેની કાર હંકારીને તેના ઝાંક ગામના ખેતરમાંથી નિકળ્યો હતો. તે દરમ્યાન દહેગામ નરોડા હાઇવે ઉપર એણાસણ પાસે મિતેશે સ્ટીયરીંગ ઉપર કાબું ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામે તરફથી મોપેડ ઉપર આવી રહેલા વિશાલ અને અમિત ઉપર ફરી વળી હતી.
આ ગંભીર અકસ્માતમાં આ બન્ને યુવાનોનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. એટલુ જ નહીં, અકસ્માતથી એકઠાં થયેલા લોકોએ દારૂના નશામાં રહેલા મિતેશ પટેલને ઝડપી પોલીસ હવાલે કર્યો હતો. બીજીબાજુ વાસણા રાઠોડ ગામના બે આશાસ્પદ યુવાનોના અકાળે અવસાન થતા ગામમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી અને નિર્દોષોનો જીવ લેનાર વાહનચાલકને કડકમાં કડક સજાની માંગ પણ કરી હતી. વાસણા રાઠોડ ગામે એક સાથે બે મિત્રોની અર્થી ઉઠતાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.