Get The App

આ ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 105 વર્ષ જુની પરંપરા છે

ગાયોની રજ શ્રધ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે

ગોવાળો પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણ પાછળ દોડ લગાવે છે

Updated: Nov 5th, 2021


Google NewsGoogle News
આ ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 105 વર્ષ જુની પરંપરા છે 1 - image


અમદાવાદ,4 નવેમ્બર,2021,ગુરુવાર 

વિક્રમ સંવતનું વર્ષ આજે ડિજીટલ યુગમાં ભલે પ્રવેશ્યું હોય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ પરંપરાઓ જીવંત છે. આવી જ એક પ્રથા સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠા વિસ્તારમાં આવેલા આદરિયાણા ગામમાં બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની છે.ગાયો દોડાવવીએ આ ગામના બેસતા વર્ષનું સૌથી મોટું આકર્ષણ છે.ગામની મહિલાઓ,પુરુષો અને બાળકો વહેલી સવારે જાગીને એક બીજાના ઘરે જઇને નવા વર્ષની શુભકામના પાઠવે છે.આ પ્રથા આજુબાજના વડગામ,ધામા તથા પાટડી જેવા ગામોમાં પણ જોવા મળે છે પરંતુ આ વિસ્તારમાં આદરીયાણા ગામની પ્રથા સૌથી જુની હોવાનું માનવામાં આવે છે. ગામના ચાર રસ્તા અને બજારમાં પણ એક બીજાને મળવાની પ્રથા છે જેને રામ રામ કર્યા એવું કહેવામાં આવે છે. 

આ ગામમાં બેસતા વર્ષે ગાયો દોડાવવાની 105 વર્ષ જુની પરંપરા છે 2 - image

સવારે ૧૦ વાગે ભીમશંકરો મહાદેવના પ્રાચીન મંદિરમાં ગામની વિવિધ જ્ઞાાતિના આગેવાનો ભેગા થઇ નવા વર્ષની ખેતીના લેખા જોખા તથા ગ્રામ વિકાસની ચર્ચા કરે છે જેને ડાયરો કહેવામાં આવે છે.આ ડાયરામાં લોકો પોતાની રસપ્રદ વાતો અને મંતવ્યો રજૂ કરે છે. ત્યાર બાદ ડાયરાનો વિશાળ સમુહ વાગતા ઢોલે મંદિરથી પાદરમાં આવી ગાયો દોડવાની પરંપરા નિહાળે છે. નાના મોટા સૌ ફટાકડા ફોડીને ગાયોના ટોળાના થતા આગમનને વધાવે છે.સમગ્ર વાતાવરણ હર્ષની ચિચિયારીઓથી ગુંજી ઉઠે છે. ગામના વડિલોના જણાવ્યા અનુસાર એક સમયે ઘોડા,ઉંટ જેવા પ્રાણીઓ પણ દોડાવવામાં આવતા જે પ્રથા હવે બંધ થઇ  છે.

 માલધારી સમાજના ગોવાળાના ઝુંડ પરંપરાગત પોષાક પહેરીને ગાયોના ધણની આગળ દોડ લગાવે છે. ગાયો દોડાવવાની વિધી પુરી થયા પછી ગાયોની રજ શ્રધ્ધાળુઓ માથે ચડાવીને નવા વર્ષના શુકન લે છે .બેસતા વર્ષના દિવસે ભાવીક ગ્રામજનો ફાળો ઉઘરાવીને ગાયોને ઘાસચારો પણ ખવડાવે છે. બપોર પછી પણ એક બીજાના ઘરે શુભેચ્છા આપવાનો,મળવાનો સિલસિલો શરુ થાય છે જે મોડી સાંજ સુધી ચાલે છે. બેસતા વર્ષ સાથે વર્ષો જુની ગાયો દોડાવવાની પરંપરાના સાક્ષી બનવા માટે બહારગામ રહેતા ગામના નાગરીકો મોટી સંખ્યામાં હાજર રહેતા હોવાથી ગામમાં મેળાવડા જેવું વાતાવરણ ઉભું થાય છે.


Google NewsGoogle News