સ્મીમેરમાં બે કર્મચારી ગ્લાસમાં દારુ પીતા હોય તેવો વિડીયો વાયરલ
- કર્મચારીઓએ કહ્યું, કોલડ્રીન્ક હતું દારુ પીતા હોય તેવું નાટક કરતા હતાઃ અધિકારીઓએ તપાસ શરૃ કરી
સુરત :
સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં બે સફાઇ કામદારો પ્લાસ્ટીકના ગ્લાસમા દારુ પીતા હોય તેવો વિડીયો વાયરલ થતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે.
સ્મીમેર હોસ્પિટલમાં જુદા જુદા વિભાગમાં બે સફાઇ કામદાર પ્લાસ્ટીકના ગ્લાસમાં દારુ જેવા રંગનું પીણું પીતા હતા. અને સાથે નાસ્તો જેવુ પણ કરતા હતા. આ વિડીયો દારુની મહેફિલ તરીકે વાયરલ થતા સ્મીમેરમાં ખળભળાટ મચી ગયો હતો. અધિકારીઓએ તપાસ શરૃ કરી હતી. વિડીયોમાં દેખાતા બંને સફાઇ કામદાર મસ્કતી હોસ્પિટલમાંથી ઓનલોન સ્મીમેરમાં મુકાયા છે.
બંને કર્મચારીઓ વિડીયો વાયરલ થયા બાદ સ્ટાફમાં કહી રહ્યા છે કે, દારુ પીતા નહોતા. કોલડ્રીન્ક એપ્પી મંગાવીને પીતા હતા અને દારુ પીવાનું નાટક કરતા હતા. દરમિયાન તપાસ શરૃ કરાઇ છે અને કસૂરવાર હશે તેમની સામે કાર્યવાહી થશે એમ સ્મીમેરના અધિકારીએ જણાવ્યું હતું.