દ્વારકાધીશ મંદિર વિસ્તારમાં સતત બીજા દિવસે ડ્રોન ઉડયાનો વીડિયો વાયરલ
Z+ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા મંદિર પર ડ્રોન ઉડ્ડયનની મનાઇ : હિન્દી ચેનલની સિરિયલના ડ્રોન ઓપરેટર સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો
દ્વારકા, : સૌરાષ્ટ્રમાં ઝેડ પ્સ સુરક્ષા કવચ ધરાવતા દ્વારકાધીશ જગત મંદિર વિસ્તારમાં ડ્રોન ઉડાડવાનો પ્રતિબંધ હોવા છતાં હિન્દી ચેનલની સીરીયલના ડ્રોન ઓપરેટરે ડ્રોન ઉડાડતા આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના સતત બીજા દિવસે બની હતી. સુરક્ષા તંત્રે ફકત જાહેરનામા ભંગનો હળવો ગુનો નોંધી સંતોષ માન્યો છે.
પ્રાપ્ત માહિતી સીરીયલની ટીમ પાંચ દિવસના દ્વારકાના શીડયુલ શુટીંગ માટે દ્વારકા આવેલ છે. આજરોજ તેમના દ્વારા દ્વારકાધીશ મંદિર નજીક ગોમતીઘાટ પાસેથી ડ્રોન પ્રતિબંધીત વિસ્તારમાં ડ્રોન કેમેરાથી શુટીંગ કરાયા અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઇ તથા ટીમે શુટીંગ ટીમના જવાબદારોને ડ્રોન કેમેરા તથા સાહિત્ય સાથે પોલીસ સ્ટેશને રજુ કરી તપાસ હાથ ધરી હતી. ડ્રોન ઓપરેટર સુરેશ નારણભાઇ બરવાડીયા-રહે. જુનાગઢવાળા સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધોરણસરની કામગીરી હાથ ધરી હતી. આ સાથે વહીવટી તંત્રે ડ્રોન ઉડાવવા અંગે કોઇપણ પ્રકારની મંજુરી આપવામાં આવેલ ન હોવાનું પણ બહાર આવ્યું હતું.