VIDEO: 'ગાયો કોથળીઓ ખાય છે એ અન્યાય નથી?', એક PIએ ગૌરક્ષાની આપી સાચી શીખ
Mundra's PI teaching Hinduism : ભુજના મુન્દ્રા નજીક એક ગામમાં બે અલગ-અલગ સમુદાયના લોકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. સોશિયલ મીડિયામાં વોર છેડાતાં મામલો બિચક્યો હતો. ત્યારે આ મામલે બે યુવકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને એક યુવકના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો મુન્દ્રાના પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને PI ત્રિવેદીને રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસે લોકોને હિન્દુત્વની વાત સરસ રીતે સમજાવી હતી.
કયા કારણે નોંધાઈ ફરિયાદ
સોશિયલ મીડિયાના માધ્યમ ઇન્સ્ટાગ્રામ પર બે સમુદાયના બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો, મામલો વધુ તેજ બની રહ્યો હતો. તો બીજી તરફ શહેરમાં સુલેહશાંતિના ભંગ બદલ બન્ને યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ એક યુવકના સમર્થનમાં આવેલ એક ટોળકીને PI ત્રિવેદીએ સાચા અર્થમાં હિન્દુત્વ કોને કહેવા તેનો પાઠ ભણાવ્યો હતો. યુવકના સમર્થનમાં આવેલા લોકો ગૌરક્ષક હોવાની વાત સામે આવી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : સિંહોનું વેકેશન પૂરુ: ચાર મહિનાના બાદ ફરી શરૂ થયો સાસણ ગીર સફારી પાર્ક
PIએ 'હિન્દુત્વ' અંગે કરી વાત
આ મામલે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા પહોંચેલી ટોળકીને PI ત્રિવેદીએ સાચા અર્થે હિન્દુત્વ કોને કહેવાય તેનો પાઠ ભણાવ્યો હતો. આ દરમિયાન PI ત્રિવેદીએ ટોળાને રખડતી ગાય અને આખલાના મુદ્દે સવાલ પૂછ્યો તો તેમાંથી એક પણ વ્યક્તિ જવાબ આપી શક્યા ન હતા. PI ત્રિવેદીએ કહ્યું હતું કે, 'હિન્દુત્વની વિચારધારા અન્ય સમુદાયના માણસોને નુકસાન કરવાનું કે ગુના આચરવાનું નથી.' આમ હિન્દુત્વનો ખરો મતલબ શીખવાડતા PIનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.