ભાવનગર પરાથી ટર્મિનસ સુધીમાં પહોંચતા ટ્રેનને અર્ધો કલાક લાગે છે
- વાત બુલેટ ટ્રેનની પણ વર્તન બળદગાડાના સમય જેવું !
- ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન હોય કે ઓખા-ભાવનગર ટ્રેન, બન્ને સ્ટેશન વચ્ચે બે કિમીના અંતરમાં મુસાફર ચાલીને વહેલા પહોંચી શકે
ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન (નં. ૦૯૨૧૫) જે સવારે ૧૦.૩૫ વાગ્યે ભાવનગર પરા રેલવે સ્ટેશન પહોંચે છે અને એક મિનિટના હોલ્ટ પછી ૧૦.૩૬ વાગ્યે પ્રસ્થાન કરવાનો સમય છે. ટર્મિનસ પહોંચવા માટે માત્ર બે કિલોમીટરનું અંતર કાપવાનું હોય છે. આમ છતાં, ટ્રેનનો પહોંચવાનો સમય છે, ૧૧.૨૫નો. આમ, આ ટ્રેનને ભાવનગર ટર્મિનસ પહોંચતા ૫૦ મિનિટનો સમય લાગી જાય છે ! એ જ રીતે ઓખા-ભાવનગર ટ્રેન જે સિહોર જંકશનથી વહેલી સવારે ૪.૦૪ વાગ્યે પ્રસ્થાન કરી સવારે ૪.૨૦ વાગ્યે ભાવનગર પરા પહોંચે છે. જ્યાં ૧૫ મિનિટનો હોલ્ટ છે અને સવારે ૪.૩૫ મિનિટે ભાવનગર પરાથી પ્રસ્થાનનો સમય છે પણ ભાવનગર ટર્મિનસ પહોંચવાનો સમય છે, સવારે ૫.૩૦ વાગ્યાનો ! જ્યારે વેરાવળ-ભાવનગર ટ્રેન રાત્રે ૮.૫૨ વાગ્યે સિહોર જંકશનથી પ્રસ્થાન કરી રાત્રે ૯.૧૭ વાગ્યે ભાવનગર પરા સ્ટેશન પહોંચી જાય છે. આ ટ્રેનનો ૧ મિનિટના હોલ્ટ બાદ રાત્રે ૯.૧૮ વાગ્યે પ્રસ્થાન કરવાનો સમય છે પરંતુ તે ભાવનગર ટર્મિનસ પર રાત્રે ૧૦.૦૫ વાગ્યે પહોંચે છે. એટલે કે, પૂરી ૧૭ મિનિટ બાદ ! તો બાન્દ્રા-ભાવનગર ટ્રેન સવારે ૭.૩૦ વાગ્યે ભાવનગર પરા સ્ટેશન પહોંચે છે અને ટર્મનિસ પહોંચવાનો સમય સવારે ૮.૦૫ વાગ્યાનો !
જોવાની વાત તો એ છે કે, આ બન્ને સ્ટેશન વચ્ચે માત્ર ૨.૮ કિમીનું અંતર છે. આ સંજોગોમાં તો મુસાફર ચાલીને પણ વહેલા પહોંચી શકે, પણ ટ્રેન પહોંચતી નથી. આમ કેમ ? એવો પ્રશ્ન મુસાફર જનતામાં ઉઠયો છે.