કલોલમાં ભારે વાહનોની બેરોકટોક અવરજવરથી ટ્રાફિક સમસ્યા વિકરાળ બની
જાહેરનામું ફક્ત કાગળ પર, તંત્ર કાર્યવાહી કરવામાં સંદતર નિષ્ફળ સાબિત થયું
કલોલ
કલોલ શહેરમાં ભારે વાહનોને પ્રવેશવા પર પાબંધી લગાવવામાં આવી છે. આમ છતાં જાહેરનામાનો છડેચોક ભંગ કરી બેરોકટોક પણે વાહનો અવર જવર કરી રહ્યા છે. આ વાહનોને અટકાવવા કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયું હોવાની શહેરીજનોમાં ચર્ચા શરુ થઇ છે.કલોલમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની ગઈ છે. ભારે વાહનોને કારણે શહેરમાં ટ્રાફિકજામ થઇ રહ્યું છે.
ભારે વાહનો પ્રવેશ કરીને ટ્રાફિકજામ કરે છે
અધિક જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી સવારે આઠથી રાત્રીના આઠ સુધી ભારે તેમજ માલવાહક વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે આ પ્રતિબંધ ફક્ત કાગળ પર હોય તેમ કલોલમાં દિવસ દરમિયાન અનેક ભારે વાહનો પ્રવેશ કરીને ટ્રાફિકજામ કરે છે.કલોલ આસપાસની જીઆઈડીસીની સ્ટાફ બસો તેમજ ખાનગી લકઝરી બસો કાયદાનો ડર ન હોય તેમ શહેરમાં ઘુસી રહી છે. આ સ્ટાફ બસો રસ્તા વચ્ચે જ કપનીઓના કર્મચારીઓને ઉતારતી હોય છે.
માલવાહક વાહનો વિરુદ્ધ પગલા ભરવા માંગ
શહેરના બોરીસણા ગરનાળા, કવિતા સર્કલ તેમજ નવજીવન બજારમાં ગમે ત્યાં આ લક્ઝરી બસો ઉભી થઇ જતી હોય છે જેથી અન્ય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત કલોલના બજાર વિસ્તારમાં વેપારીઓનો માલ સામાન લઈને આવતા માલવાહક ખટારા પણ માર્ગ વચ્ચે જ અડીંગો જમાવીને ઉભા રહેતા હોય છે. સ્ટેશન રોડ,નવજીવન રોડ,મહેન્દ્ર મિલ રોડ તેમજ ગુરુદ્વારા રોડ પર માલવાહક વાહનો વિરુદ્ધ પગલા ભરવા માંગ ઉઠી છે.