મનપાની સ્ટેન્ડીંગમાં ફરી ફ્લાયઓવર સહિતના કામની સમય મર્યાદા વધારાઈ
- ભાવનગર મહાપાલિકામાં સમયસર કામ થતા નથી છતાં કડક પગલા લેવાતા નથી
- સમયસર કામ નહીં કરનાર એજન્સી તથા પીએમસીને ડી ફોલ્ટ કરવાની માત્ર વાતો, સ્ટેન્ડીંગ કમિટિમાં વારંવાર સમય મર્યાદા વધારી દેવામાં આવતા કોન્ટ્રાકટરોને રાહત, સમય અને પૈસાનો થતો વ્યય : કામ સમયસર નહીં થતા લોકોને હાલાકી
મહાપાલિકાના હોલ ખાતે બુધવારે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. સ્ટેન્ડીંગ કમિટિમાં જુદા જુદા કામના ૬૦ ઠરાવને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહાપાલિકામાં સમય મર્યાદામાં કામ થતા નથી અને ત્યારબાદ એજન્સી દ્વારા કોઈને કોઈ કારણ રજૂ કરી સમય મર્યાદા વધારવા માટે દરખાસ્ત કરવામાં આવે છે અને સ્ટેન્ડીંગ કમિટિમાં કડક પગલા લીધા વિના જ કામની સમય મર્યાદા વધારી દેવામાં આવે છે, આજે સ્ટેન્ડીંગ કમિટિમાં આવુ જ જોવા મળ્યુ હતું. આજે આશરે ચાર કામની સમય મર્યાદા વધારવામાં આવી હતી. ફ્લાયઓવરની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ભાજપ દ્વારા દાવા કરવામાં આવ્યા હતા પરંતુ ૪ વર્ષે પણ ફ્લાયઓવર પૂર્ણ થયો નથી અને ફરી આ કામની સમય મર્યાદા આગામી તા. ૩૧ જુલાઈ-ર૦રપ સુધી વધારવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરના ગૌરવપથ-રાજકોટ રોડ શાસ્ત્રીનગરથી આર.ટી.ઓ. સર્કલ થઈ દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી ફ્લાયઓવર બનાવવાના કામનો એલ.ઓ.એ ગત તા. ૧૧ ઓગષ્ટ-૨૦૨૦ના રોજ એજન્સી રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.ને આપવામાં આવેલ છે, જે મુજબ આ કામની સમયમર્યાદા ૨૪ માસ રાખવામાં આવેલ હતી, જે ગત તા. ૧૦ ઓગષ્ટ-૨૦૨૨ના રોજ પુર્ણ થયેલ છે. ત્યારબાદ રોડઝ વિભાગની દરખાસ્ત મુજબ આ કામની સમયમર્યાદા ૧૮ માસ વધારવામાં આવેલ હતી. જે મુજબ આ કામની સમયમર્યાદા આગામી તા. ૦૯ ફેબુ્રઆરી-૨૦૨૪ નાં રોજ પુર્ણ થશે.
દરખાસ્તમા જણાવેલ વિગતે આર. એન્ડ બી., ડીઝાઈન સર્કલ તરફથી ડ્રોઇંગની મંજુરી પ્રાપ્ત થયેલ હતી તે મુજબ કોન્ક્રીટની કામગીરી થયેલ છે. સુચિત કામમાં નિયત સમયમર્યાદામાં ડ્રોઇંગની મંજુરી પ્રાપ્ત ન થવાના કારણે તથા દરખાસ્તમા જણાવેલ જુદી જુદી વિગતો અને કારણોસર સદર કામમાં વિલંબ થયેલ છે. ફ્લાયઓવરના કામમાં અત્યાર સુધીમાં જે ડ્રોઇંગની મંજુરી પ્રાપ્ત થયેલ તે મુજબ બાકી રહેતી કામગીરી માટે કામનો બાર ચાર્ટ તૈયાર કરેલ છે. આ કામે શાસ્ત્રીનગરથી સરીતા કોમ્પલેક્ષ સુધી સુપર સ્ટ્રક્ચરની કામગીરી પુર્ણ થયા બાદ ટ્રાફિક નિયંત્રણ માટેની વ્યવસ્થા કરી કુંભારવાડા તરફના એપ્રોચ માટે પીએ૧ ટુ પીએ૮ સુધીની સુપર સ્ટ્રક્ચરની કામગીરી હાથ ધરી શકાશે. સૂચિત કામની સમયમર્યાદા બાબતે પીએમસી પાસેથી અભિપ્રાય મંગાવતા પીએમસી દ્વારા આગામી તા. ૩૦ ઓકટોબર-૨૦૨૫ સુધી સમયમર્યાદા વધારવા માટેને અભિપ્રાય આપેલ છે, જે તમામ વિગતે સૂચિત કામની સમયમર્યાદા ઓકટોબરને બદલે જુલાઈ માસ સુધી વધારવા મંજૂરી અપાઈ હતી.
ઉપરાંત ચિતરંજન ચોકથી ભીડભંજન ચોકથી સુધી વ્હાઈટ ટોપિંગ રોડનું કામ પણ જુદા જુદા કારણોસર સમય મર્યાદામાં પૂર્ણ થયુ ન હતુ તેથી એજન્સી બી.આર.ગોયલ ઈન્ફ્રાસ્ટ્રકચર લી.ને આ કામની સમય મર્યાદા ગત તા. રપ ઓગષ્ટ-ર૦ર૪થી તા. ર૦ નવેમ્બર-ર૦ર૪ સુધી વધારી આપવા નિર્ણય કરાયો હતો, જયારે અકવાડા તળાવના વિકાસ ફેઝ-રના કામની મુદ્દત વધારી આપવા દરખાસ્ત રજૂ થયેલ છે. આ કામ માટે વધુ ગત તા. ૪ સપ્ટેમ્બર-ર૦ર૪થી ૧૦ માસ એટલે કે આગામી તા. ૩ જુન-ર૦રપ સુધી અંતિમ મુદ્દત વધારી આપવાની મંજૂરી આપવા નિર્ણય કરાયો હતો. ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં વિવિધ જગ્યાએ પેવીંગ બ્લોકનું કામ પણ સમય મર્યાદામાં થયુ નથી તેની પણ સમય મર્યાદા વધારવામાં આવી હતી. એજન્સી અને પીએમસીને ડી ફોલ્ટ કરવાની વાતો કરાય છે પરંતુ કડક પગલા ભાગ્યે જ લેવાતા હોય છે. મનપાના નાયબ કમિશનર (જનરલ) માટે વાહન ખરીદવા રૂ. ૧૦.પ૦ લાખનો ખર્ચ કરવા નિર્ણય કરાયો હતો, કુલ ર૦ર.૧૭ કરોડના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
રખડતા ઢોર પકડવા માટે પોલીસ અને ફાયર સ્ટાફને સાથે રાખવા સુચના
ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોરની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ કેટલીકવાર પશુ પાલકો સાથે ચકમક થતી હોય છે તેથી પોલીસ બંદોબસ્ત અને ફાયર સ્ટાફ સાથે રાખવા આજે સ્ટેન્ડીંગ કમિટિમાં સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મહાપાલિકાની કાર્યવાહી વચ્ચે પણ શહેરના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ત્યારે કડક કામગીરી કરવા માંગણી ઉઠી રહી છે.
87 સ્માર્ટ આંગણવાડી અને 32 સ્માર્ટ લાઈબ્રેરી બનાવવા મંજૂરી
ભાવનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં આજે ૮૭ સ્માર્ટ આંગણવાડી અને ૩ર સ્માર્ટ લાઈબ્રેરી બનાવવા મંજૂરી આપી છે. અન્ય આંગણવાડીની જરૂરીયાત જણાશે તો તેનો પણ રીપોર્ટ કરવા આઈસીડીએસ વિભાગને જણાવેલ છે અને વધુ લાઈબ્રેરી કરવી પડશે તો તે અંગે પણ વિચારણા કરવામાં આવશે તેમ ચેરમેને જણાવેલ છે. ઉલ્લેખનીય છે કે, સ્માર્ટ આંગણવાડી અને સ્માર્ટ લાઈબ્રેરી બનાવવાની વાતો લાંબા સમયથી થાય છે ત્યારે ઝડપી કામગીરી કરવા માંગણી થઈ રહી છે.
ટી.પી. સ્કીમમાં રોડ 18 કે 21 મીટરના કરાશે
ભાવનગર શહેરમાં ટી.પી.સ્કીમમાં જે રોડ ૧ર મીટર કે ૧પ મીટર રાખેલ હોય તો તેને ૧૮ મીટર કે ર૧ મીટર કરવા માટે સ્ટેન્ડીંગ કમિટિમાં સૂચના આપવામાં આવેલ છે. ટી.પી.સ્કીમમાં રોડ નાના રાખવામાં આવતા લોકોને આગામી વર્ષોમાં મૂશ્કેેલી થતી હોય છે તેથી ભવિષ્ય અંગે વિચારણા કરી રોડ મોટા રાખવા સૂચના આપવામાં આવી છે તેથી લોકોને રાહત થશે તેમ ચર્ચાય રહ્યુ છે.