પાલનપુર પાટિયાની કલ્પના સોસાયટીની ઘટના: રૂ. 7.69 લાખની ચોરી કરી ભાગેલા ચોરને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી પકડયો
- વહેલી સવારે બેડરૂમનો દરવાજો બહારથી બંધ અને ઘરમાં કોઇ ઘૂસ્યુ હોવાનો અવાજ આવતા કંટ્રોલ રૂમમાં જાણ કરીઃ પાંચ મિનીટમાં ઘસી આવેલી પોલીસે શંકાના આધારે યુવાનને પકડવા જતા 800 મીટર દોટ લગાવી એકને પકડી પાડયો
- પૂછપરછના આધારે બીજો પણ પકડાયો, બંને 50 થી વધુ ચોરીના ગુના આચરનાર રીઢા ગુનેગાર
સુરત
રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત કલ્પના સોસાયટીમાં રહેતા ફોટોગ્રાફરના ઘરમાંથી તસ્કરો રોકડ અને દાગીના મળી કુલ રૂ. 7.69 લાખની ચોરીનો કસબ અજમાવ્યો હતો. પરંતુ આ અરસામાં જ ઘરમાં રહેતો પરિવાર જાગી જતા બુમાબુમ કરવાની સાથે કંટ્રોલ રૂમમાં જાણ કરતા દોડી આવેલી રાંદેર પોલીસે શંકાના આધારે ફિલ્મી ઢબે પીછો કરી એક પછી એક બે ચોરને પકડી પાડી તમામ મુદ્દામાલ રીકવર કર્યો છે.
શહેરના રાજમાર્ગ ભાગાતળાવ ખાતે સ્કાયલાઇન સ્ડુટીયો ચલાવતા યોગેશ નરભેરામ મીસ્ત્રી (ઉ.વ. 69) રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત સોના હોટલની પાછળ કલ્પના સોસાયટીના બંગલા નં. 12 માં રહે છે. રવિવારે રાતે જમ્યા બાદ યોગેશભાઇ પત્ની સાથે ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં સુઇ ગયા હતા જયારે તેમનો પુત્ર કૃપાલ બંગલાના કંમ્પાઉન્ડમં મિત્ર સાથે 12 વાગ્યા સુધી બેઠો હતો. મિત્ર ગયા બાદ કૃપાલ પહેલા માળે પોતાના બેડરૂમમાં સુઇ ગયો હતો. પરંતુ રાતે સાડા ત્રણ વાગ્યે યોગેશભાઇના પત્ની ઉઠયા ત્યારે બેડરૂમનો દરવાજો બહારથી બંધ હતો અને ઘરમાં કોઇ ઘુસ્યુ હોય તેવો અહેસાસ થતા તુરંત જ પુત્રને જાણ કરવાની સાથે બુમાબુમ કરવાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. આ અરસામાં એક યુવાન હાથમાં થેલી લઇ બંગલામાંથી બહાર નીકળતા દેખાયો હતો. કંટ્રોલ રૂમના કોલના આધારે પાંચ મિનીટમાં જ પીસીઆર વાન ઘસી આવી હતી અને સમગ્ર બાબતનો તાગ મેળવી પોલીસ સ્ટેશનમાં જાણ કરતા રાંદેર પોલીસ સર્તક થઇ ગઇ હતી. પોલીસે હાથમાં થેલી લઇ બહાર નીકળનાર મરૂન શર્ટ પહેરેલા યુવાનની શોધખોળ માટે સ્થાનિક વિસ્તાર ફંફોસવાનું શરૂ કર્યુ હતું અને પરિવારે ઘરમાં ચેક કરતા રસોડાની બારીની ગ્રીલ તૂટેલી હતી અને પહેલા માળે બેડરૂમની તિજોરી તોડી તેમાંથી રોકડ અને દાગીના મળી કુલ રૂ. 7.69 લાખની મત્તા ગાયબ હતી. જો કે પોલીસને મરૂન શર્ટ પહેરેલો યુવાન રસ્તા ઉપર નજરે પડતા શંકાના આધારે તેને પકડવાનો પ્રયાસ કરતા અંદાજે 700 થી 800 મીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરી પાટિયા નજીક હિમગીરી સોસાયટી પાસેથી ચોરને પકડી પાડયો હતો અને બીજાને રાંદેર રોડ નવયુગ કોલેજ પાસેથી ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા પોતાના નામ સિકંદર અખતર સૈયદ (ઉ.વ. 40 રહે. મહંમદીયા કોલોની, મોમીનપુરા બીડ, ઔરંગાબાદ, મહારાષ્ટ્ર) અને શંકર તાનાજી જાદવ (ઉ.વ. 40 રહે. ગુલાબવાડી, માલધક્કા, નાસિક, મહારાષ્ટ્ર) હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બંને 50 થી વધુ ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગાર છે.