મોપેડ પર મૂકેલું ડિજિટલ એક્સ - રે મશીન ચોર લઇ ગયો
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની તપાસ હાથ ધરી
વડોદરા,હરણી વારસિયા રીંગ રોડ પર મોપેડની આગળ મૂકેલું ડિજિટલ એક્સ - રે મશીન કોઇ ચોરી ગયું હતું. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ કંકુબા પાર્કમાં રહેતો દિપ્તેશ રમણભાઇ માછી હરણી વારસિયા રીંગ રોડ બિલીપત્ર કોમ્પલેક્સમાં દિપ ડિજિટલ એક્સ - રે સર્વિસ નામની ઓફીસ ચલાવે છે. તેણે સાત મહિના અગાઉ એક ડિજિટલ એક્સ - રે મશીન લીધું હતું. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છ ેકે, ગત તા.૨૮ મી એ સવારે આઠ વાગ્યે ઓફિસના કર્મચારી ભાવિન ચંદ્રસિંહ ચૌહાણને એક્સ - રે કરવા હોસ્પિટલમાં જવાનુું હોઇ ઓફિસમાંથી એક્સ - રે મશીન લઇ એક્ટિવાની આગળ મૂક્યું હતું. ત્યારબાદ તે ઓફિસમાં પહેલા માળે ગયો હતો અને થોડીવારમાં પરત આવ્યો હતો. તે પરત આવ્યો ત્યારે એક્સ - રે મશીન ગાયબ હતું. મશીનની શોધખોળ કરવા છતાંય મળ્યું નહતું. વારસિયા પોલીસે ૮૦ હજારનું મશીન ચોરી જનાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.