ગલ્લા પર બેઠેલી મહિલાનું મંગળસૂત્ર તોડીને ગઠિયો ફરાર
ગલ્લા પર બેઠેલી મહિલાના ગળામાંથી બે તોલા વજનનું મંગળસૂત્ર આંચકીને ભાગી જનાર ગઠિયાની સામે ગુનો દાખલ કરી વાડી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં રહેતા જશોદાબેન ડાહ્યાભાઇ પરમાર ઘરની સામે પાન પડીકીનો ગલ્લો ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે સાંજે સાત વાગ્યે હું ઘરનું કામ પતાવીને ગલ્લા પર બેસવા ગઇ હતી. મારા પતિ પણ ગલ્લા પર બેઠા હતા. જેથી, હું ગલ્લાની આગળ પગથિયા પર બેઠી હતી. સાડા સાત વાગ્યે અમારા વુડાના મકાનમાં અગાઉ રહેતો સમીર ઉર્ફે સદ્દુ હનિફભાઇ પટેલ આવ્યો હતો. મેં તેને પૂછ્યું કે શું જોઇએ છે ? કંઇપણ બોલ્યા વગર તેણે મારા ગળામાંથી સોનાનું મંગળસૂત્ર આંચકી લીધું હતું. ત્યારબાદ તે ભાગવા લાગતા મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. મારા પતિ પણ સમીરને પકડવા તેની પાછળ દોડયા હતા. પરંતુ, સમીર ભાગી ગયો હતો. અંદાજે બે તોલા વજનનું અને 90 હજારની કિમંતનું મંગળસૂત્ર આંચકીને ભાગી જનાર સમીરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.