પતંગના વેપારીના ઘરમાંથી સોનાના ૧૨ તોલા દાગીનાની ચોરી
પરિવારના સભ્યો મોડીરાત સુધી દુકાને બેસીને ધંધો કરતા હતા ત્યારે ચોર ટોળકી ત્રાટકી
વડોદરા,ઉત્તરાયણની આગલી રાતે વેપારી તેમના પરિવાર સાથે દુકાને રહીને ધંધો કરતા હતા. તે સમયે ચોર ટોળકી તેઓના ઘરમાંથી સોનાના ૧૨ તોલા વજનના દાગીના અને ચાંદીના દાગીના મળી ૭.૨૫ લાખની મતા લઇ ગઇ હતી.
ગોત્રી રોડ કેતન પાર્સ સોસાયટીમાં રહેતા મુકેશકુમાર ત્રિકમલાલ અગ્રવાલ સિઝનેબલ વેપાર કરે છે. ગત તા. ૧૩ મી એ સવારે સાત વાગ્યે તેઓ પુત્ર સાથે સમતા ગોરવા ખાતે પાવનધામ શોપિંગ સેન્ટરમાં આવેલી તેઓની પતંગની દુકાને ગયા હતા. સાંજે ચાર વાગ્યે તેમના પત્ની ઘર બંધ કરીને દુકાને આવી ગયા હતા. પરિવારના સભ્યો દુકાને બેસી વેપાર કરતા હતા. વેપાર કરીને મોડીરાતે દોઢ વાગ્યે પરિવારના બે સભ્યો ઘરે ગયા હતા. ત્યારે કંપાઉન્ડનો દરવાજો ખુલ્લો હતો. રસોડાના દરવાજાની ચાવી અંદર ભરાવેલી હતી. લાઇટો ચાલુ હતી. જેની જાણ તેઓએ મુકેશકુમારને કરતા તેઓ પણ ઘરે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતા કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હાલતમાં પડયો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોનાના ૧૨ તોલા વજનના દાગીના તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૭.૨૫ લાખની મતા ચોરી ગઇ હતી. જે અંગે વેપારીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.